ગાંધીનગર : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને નિરાશાજનક સામગ્રી પોસ્ટ કરનારા 14 વ્યક્તિઓ સામે કેસ નોંધ્યા છે, એમ આજે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને આવી રાષ્ટ્રવિરોધી સામગ્રી પોસ્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમના નિર્દેશને અનુસરીને, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પણ આ સોશિયલ મીડિયા પોસ્ટ્સની સમીક્ષા કરી અને પોલીસને કેસ નોંધવા અને સંડોવાયેલા વ્યક્તિઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. ગુજરાત પોલીસની ગુપ્તચર શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા દેખરેખ દરમિયાન,
એવું જાણવા મળ્યું કે ૧૪ વ્યક્તિઓએ રાષ્ટ્રવિરોધી અને નિરાશાજનક સામગ્રી પોસ્ટ કરી હતી, અને તેમની સામે FIR નોંધવામાં આવી છે.આમાંથી, ખેડા જિલ્લામાં બે, ભુજમાં બે અને જામનગર, જૂનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરામાં એક-એક FIR દાખલ કરવામાં આવી હતી – કુલ ૧૪ એફઆઈઆર નોંધાઈ હતી, જેમાં તમામ કેસોમાં કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.


