ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાની ગૌશાળા તેમજ પાંજરાપોળ માટે સરકારે ૫૦૦ કરોડ સહાયની જાહેરાત કરી તેના માટે ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકો દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાં સરકારે કરેલ ૫૦૦ કરોડ સહાયની જાહેરાત બાદ સરકાર દ્વારા કોઈજ કાર્યવાહી કરી નથી. જેથી પાંજરાપોળના સંચાલકોએ બનાસકાંઠામાં ફરી એકવાર ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠા જિલ્લામાં ૧૭૦થી વધુ ગૌશાળા તેમજ પાંજરાપોળમાં ૮૦ હજાર જેટલા પશુઓ આશ્રય લઈ રહ્યા. જે દાતા દ્વારા આવતા દાન પર નિર્ભર છે. પરંતુ કોરોના કાળમાં દાંતા દ્વારા આવતું દાન માનવ સેવા તરફ જતા ગૌશાળા પાંજરાપોળમાં દાનની આવક ઘટી. તેમજ દિવસેને દિવસે વધતી મોંઘવારીના કારણે ઘાસચારામાં પણ ભાવ ડબલ થવા પામ્યા. તેમજ સરકારે તાજેતરમાં બજેટમાં ગુજરાતની તમામ પાંજરાપોળ તેમજ ગૌશાળામાં સહાયની જાહેરાત કરતા જે થોડું ઘણું દાંતા દ્વારા આવતું દાન પણ બંધ થવા લાગ્યું છે.
ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકો જણાવી રહ્યા છે કે, સરકાર તરફથી જાહેરાત બાદ ફક્ત ખાલી વાયદાઓ જ આપ્યા છે. હજી સુધી બજેટમાં કરેલી જાહેરાતનું એક રૃપિયો પણ ગૌશાળા તેમજ પાંજરાપોળને આપ્યો નથી જેના કારણે હાલ પશુઓની હાલત કફોડી થઈ રહી છે.
તેમજ છેલ્લા ત્રણ માસની બાકી આથક સહાય પણ તાત્કાલિક સંસ્થાઓને ચૂકવવામાં આવે તેમજ જાહેરાત કરેલી સહાય પણ ૭ દિવસમાં ચૂકવણી કરવામાં આવે તેવી પાલનપુર જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. જો સાત દિવસમાં સરકાર દ્વારા સહાય નહીં આપવામાં આવે તો પશુઓને સરકારી કચેરીઓ નજીક છોડી મુકાશે તેવી બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ ચીમકી ઉચ્ચારી છે.