કડી વિસ્તારના જાહેર માર્ગો અને હાઇવે ઉપર વિનામૂલ્યે કમર તોડવાનો કેમ્પ, તંત્ર હાડકા ભંગાવશે !

September 22, 2021

કમરની ગાદી ખસાવવી હોય તો કડીના  કોઈપણ જાહેરમાર્ગો પર વાહનમાં આવવું ફરજીયાત

કડી એ અનેક ગામડાઓની સાથે જોડતું એક શહેર છે અને આ જાહેર માર્ગો પર નાના – મોટા વાહનોની અવર જવર રાત – દિવસ ચાલું જ રહેતી હોય છે ત્યારે કડી શહેરના કોઈ પણ જાહેર માર્ગો પર  ફરો અને ટુ વ્હીલર-ફોર વ્હીલના જમ્પર તોડો, નગરપાલિકાનું  સુંદર યોજના… 
માર્ગ અને મકાન વિભાગ અને કડી નગરપાલિકાના  આશીર્વાદથી કડી શહેરને જોડતા તમામ રોડ રસ્તાઓનું કામ કરતા કોન્ટ્રાકટરના ભ્રષ્ટાચાર યુક્ત કામથી કડીના શહેરીજનો અને કડીમાં કામ સબબ આવતા લોકો માટે કમરના હાડકા તોડવાનો તેમજ કમરની ગાદી ખસેડવવા ઉપરાંત હાડકા ખોખરા કરવાનો વિનામૂલ્યે કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં કોઈપણ વાહનચાલક કે પગપાળા જતા લોકો ભાગ લઇ શકે છે. સમાચાર વાંચીને આશ્ચર્ય જરૂર થશે પરંતુ આ સત્ય હકીકત છે, કડી ના જાહેરમાર્ગો પર અને હાઈવેનું મંથર ગતિએ ચાલતું લોટ, પાણી અને લાકડા જેવું કામ પૂર્ણ થતું નથી.તો બીજી તરફ હલકી ગુણવતા યુક્ત કામને કારણે કડીમાં ના જાહેર માર્ગો પર ઠેર ઠેર ગાબડાં પડયા છે જે જીવલેણ અકસ્માતને કંકોત્રી પાઠવી રહ્યા છે. અધૂરામાં પૂરું કડીમાં પાલિકાએ પણ આ કેમ્પમાં સાથ પુરાવ્યો હોય તેમ શહેરભરના તમામ માર્ગો ઉપર ખાડા નહીં પણ ખંજન..ડિમ્પલ પડી ગયા છે અને લોકો પડવા, આખડવા અને હાડકા તોડાવા મજબુર બન્યા છે.
કડીમાં  કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાઓ નું કામ જેતે રોડ રસ્તા ના કોન્ટ્રાકટરો ને સોંપવામાં આવતું હોય છે. પણ આ માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકા ના અણઘડ વહીવટના કારણે શહેરની જનતાને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવતો હોય છે., આશ્ચર્ય તો એ વાતનું છે કે, કડીના અધિકારીઓ જાણે આવા રોડ રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાક્ટરને સાચવી લેવા માટે જાણે અધિકારીઓ સાથે મળી ને કામ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કડીમાં ગાબડાઓની વણઝાર સર્જાઈ છે અને ગાબડાનો રોગચાળો હવે છેક છત્તર સુધી પહોંચી ગયો છે.ત્યારે સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન આ ગાબડાં પુરવા કોન્ટ્રાકટર દ્વારા ચાલુ વરસાદે થીગડાં પણ મારવામાં આવી રહ્યા છે છતાં ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી રહ્યો છે અને કડીના  લોકો માટે જોખમ ઉભું થઇ રહ્યું છે.
નવાઈની વાત તો એ છે કે નબળી ગુણવતા વાળા  રોડ પ્રોજેક્ટ અંગે  કડીના  એક પણ નેતા હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી ત્યારે સરકારના આંખ મિચામણાથી માર્ગ અને મકાન વિભાગ ના સહયોગથી કડી ના કોન્ટ્રાકટર દ્વારા લોકોના હાડકા તોડવા અને અકાળે સ્વર્ગે સિધાવવા જ આવા રોડનું નિર્માણ કર્યું હોવાનું સ્પષ્ટ બની રહ્યું છે.
કડીના હાઈવેની જેમ જ શહેરના વિવિધ માર્ગોની પણ સ્થાનિક તંત્રની મહેરબાનીથી આવી જ દશા છે. જેમાં અનેક ચોકડી જાવ તો મોટર સાયકલ લપસવાની ગેરંટી સાથે માથું ફોડવાની સ્કીમ તરતી મુકાઈ છે તો નંદાસણ રોડ હાઇવે થી શહેર તરફ આવો તો ગમે ત્યારે ભફ થી જવાય તેવા ખાડા પણ પાલિકાની કૃપાથી તૈયાર છે.અને જો ચાલુ વરસાદે અનેક જાહેરમાર્ગો ઉપર થઈને આવો તો લપસણીની મજા પણ લઇ શકો છો.

સુધરે એ બીજા – કડી નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ નહિ

કડીમાં થોડા દિવસ પહેલા પણ આ ખરાબ રોડ રસ્તાની હાલત જોઈને અને પ્રજાજનો પડતી મુશ્કેલીઓ જોઈને મીડિયામાં અનેક વાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે પરતું કડીના અધિકારીઓને કોઈ પ્રજાજનોની પડી જ ના હોય તેવું જોવા મળી રહ્યુ છે. આ જાહેર માર્ગો પર પસાર થવું એટલે કોઈ મુસીબત ઘરે લઇ ને જવી તેવા દ્રશ્યો અહીથી પસાર થતા વાહનચાલકો માંથી જોવા મળી રહ્યા છે અને કડી નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જાણે જાહેરમાર્ગો પર સાઉન્ડ સિસ્ટમ વગર જાણે લોકો ડિસ્કો ડાન્સ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કડીના પ્રજાજનો ચૂંટણી સમયે તમને ખોબે ને ખોબે મે મત આપી રહી છે તો કેમ આવા નેતાઓ અને અધિકારીઓ પ્રજાજનો માટે કામ કરવામાટે કેમ આગળ આવતા નથી આતો ચૂંટણી આવે એટલે એક એક અધિકારીઓ આવે અને ચૂંટણી પુરી થતાંની સાથે જ જાણે બધા નેતા અને અધિકારીઓ ગાયબ થઈ જતાં હોય તેવું જોવા મળી રહ્યું છે. ખાલી ને ખાલી જાહેર સભાઓમાં વિકાસની વાતો કરવાની અને પ્રજાજનો ને સમજાવવાની વાતો થતી હોય છે તેવી ચર્ચાઓ પણ લોક મુખે જોવા મળી રહી છે.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0