ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા નવા જિલ્લા ભાજપ પ્રમુખોના નામની જાહેરાત કરાઇ
મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના સંનિષ્ઠ આગેવાન ગિરીશ રાજગોરની વરણીથી કાર્યકરોમાં નવચેતના ફૂંકાશે
ગરવી તાકાત, મહેસાણા તા. 02- ગત રોજ મહેસાણા, બોટાદ, ભાવનગર શહેર જિલ્લા મળી કુલ ચાર ભાજપના પ્રમુખોએ રાજીનામા આપ્યાં હતા જેને પગલે આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે નવા ચાર પ્રમુખોના નામની જાહેરાત કરી છે. જેમાં મહેસાણા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત બિન પાટીદાર પ્રમુખ વિના ગિરીશ રાજગોરના નામની પસંદગી કરીને મહેસાણા જિલ્લાના રાજકિય વિવેચકોને ચોકાવી દીધા છે. 
ગુજરાત ભાજપના સંગઠનમાં સતત ફેરફાર થઇ રહ્યા છે ગત રોજ મહેસાણા જિલ્લા ભાજપનું નેતૃત્વ કરતાં જશુ પટેલ સહિત ભાવનગર જિલ્લા અને શહેર પ્રમુખ તથા બોટાદના જિલ્લા પ્રમુખે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાજીનામું આપ્યું હતું. ત્યારે મહેસાણા જિલ્લામાં બે વર્ષથી વધુ જિલ્લા પ્રમુખનું પદ સંભાળનાર જશુ પટેલે પરિવાર અમદાવાદ રહેતા હોવાના મામલે રાજીનામું ધર્યુ હોવાનું જણાવાયું હતું. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજીનામું આપનાર ચાર નવા પ્રમુખોની જાહેરાત કરી છે.
જેમાં મહેસાણા જિલ્લામાં મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા જિલ્લા ભાજપના સક્રિય આગેવાન એવા ગિરીશ રાજગોરના નામની જાહેરાત કરવામાં આવી છે. મહેસાણામાં જિલ્લા ભાજપ પ્રમુખ પદે ગિરીશ રાજગોરની નિમણૂંક કરવામાં આવતાં મહેસાણા જિલ્લા ભાજપના કાર્યકરોમાં નવચેતના ફૂંકાશે. મહેસાણા જિલ્લામાં ગિરીશ રાજગોરના નામ જાહેર થતાંની સાથે જ ભાજપના આગેવાનો કાર્યકરો સહિત હિતેચ્છુઓએ શુભેચ્છાઓની વરસાદ વરસાવી હતી. અત્રે મહત્વની બાબત એ છે કે, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ પદનો મોટા ભાગનો કાર્યકર હંમેશા પાટીદાર આગેવાન જ રહ્યા છે. પરંતુ મહેસાણા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર બિન પાટીદાર સમાજના પ્રમુખની વરણી કરીને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સૌ કોઇને આશ્ચર્યમાં મુકી દીધા છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા મહેસાણામાં નવા જિલ્લા પ્રમુખપદે ગિરીશ રાજગોર, બોટાદના ભાજપ જિલ્લા પ્રમુખ પદે મયુર પટેલ, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ પદે પૂર્વ રાજ્ય સરકાર મંત્રી રાધવભાઇ સી. મકવાણા તથા ભાવનગર શહેર પ્રમુખ પદે અભયસિંહ ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકારણમાં પ્રમુખોની પસંદગી કરવામાં હંમેશા સફળ સાબિત થયા છે અને તેમની રાહબરી હેઠળ નિમાયેલા જિલ્લા કે શહેર પ્રમુખોની ભાજપના સંગઠન અને ભાજપની જીત માટે નોંધપાત્ર ફાળો ભજવ્યોં છે. તે જાેતાં સી.આર. પાટીલ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભાજપના સંગઠનમાં ફેરફાર કરી આગામી ૨૦૨૪માં યોજાનાર લોકસભાની ચૂંટણી માટે નીવ મજબૂત કરી રહ્યા છે. જે અનુસંધાને આજે વધુ ચાર નવા પ્રમુખોની જાહેરાત કરી હતી.


