ન્હાવા પડેલા બે યુવાન ડૂબવા લાગ્યા હતા તેમને બચાવવા માટે તળાવમાં કૂદેલા ત્રણ યુવાનો પણ ડૂબી ગયા
દોઢ કલાકની જહેમત બાદ પાંચેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા
ગરવી તાકાત, બોટાદ, તા. 13 – બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનના ડૂબવાથી મોત નીપજ્યા છે. ત્યારે ન્હાવા પડેલા બે યુવાન ડૂબવા લાગ્યા હતા તેમને બચાવવા માટે તળાવમાં કૂદેલા ત્રણ યુવાનો પણ ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પ્રાંત અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત ફાયરવિભાગની ટીમને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયરવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે દોઢ કલાકની જહેમત બાદ પાંચેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક માહિતી અનુસાર તમામ મૃતકો બોટાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
અગાઉ માર્ચ મહિનામાં જ જિલ્લાના સેથળી ગામ પાસે કેનાલમાં ચાર યુવક તણાયા હોવાની ઘટના બહાર આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગ સહિત બોટાદ મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ચારેય યુવાનો કેનાલમાં નહાવા પડ્યા હતા અને ત્યારે તણાઈ ગયા હતા.
આ તમામ યુવકો બોટાદ શહેરના પાળિયાદ રોડ પર આવેલી અશોકવાટિકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. નાના વિસ્તારમાં આવી ઘટના બનતા તમામ શોકગ્રસ્ત થયા હતા. સ્વાભાવિક રીતે પરિવારજનો સહિત પિરિચિતોમાં ગમગીની છવાઈ હતી.