— આરોપીઓ ટેન્કરના સીલ પર લગાડવામાં આવતા વાયર ઢીલા કરીને મુખ્ય વાલ્વ ખોલીને ટેન્કરમાંથી કેમિકલ ચોરી લેતા હતા :
ગરવી તાકાત અમદાવાદ : અમદાવાદ પોલીસને એવી બાતમી મળી હતી કે, કેટલાક લોકો રોડ પરથી નીકળતા કેમિકલ ટેન્કર્સના ડ્રાઈવર્સ સાથે સાંઠગાંઠ કરીને તેની ચોરી કરે છે અને તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. બાતમી પ્રમાણે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા ઈસમો ટેન્કરના ડ્રાઈવર્સને ભાગ્યોદય હોટેલ પાસે આવેલા ભાવના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં લઈ જતા હતા. ત્યાં ટેન્કર પર મારવામાં આવેલા સીલ સાથે છેડછાડ કરવામાં આવતી હતી અને કેમિકલની ચોરી કરવામાં આવતી હતી.
આરોપીઓ ટેન્કરના સીલ પર લગાડવામાં આવતા વાયર ઢીલા કરીને મુખ્ય વાલ્વ ખોલીને ટેન્કરમાંથી કેમિકલ ચોરી લેતા હતા. આ પ્રકારની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા ટેન્કરમાંથી કેમિકલ ચોરીને તેને બેરલમાં ઠલવી રહેલા 5 ઈસમો પકડાઈ ગયા હતા.

દરોડા દરમિયાન અમદાવાદ SOGએ 4,23,330 રૂપિયાનું મૂલ્ય ધરાવતા 4,110 લીટર કેમિકલ ભરેલા 23 નંગ બેરલ અને કેરબા જપ્ત કર્યા છે. પોલીસે ફોક્સ વેગન વેન્ટો કાર, 1 લાખ જેવી રોકડ, 4 નંગ મોબાઈલ, 300 રૂપિયાનું મૂલ્ય ધરાવતી ચોરીમાં વપરાતી 3 પાઈપ, 4,100 રૂપિયાનું મૂલ્ય ધરાવતા 41 નંગ ખાલી બેરલ અને જપ્ત કરવામાં આવેલો કેમિકલનો જથ્થો સહિત કુલ 7,89,230 રૂપિયાનું મૂલ્ય ધરાવતો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે ચોરીમાં સંડોવાયેલા બુરાનખાન હબીબખાન પઠાણ (ડ્રાઈવર, રહે. ગાંધીધામ, મૂળ રાજસ્થાન), શૈલેષભાઈ રામભાઈ પટેલ (ભાડજ, અમદાવાદ), વિનોદકુમાર બાબુલાલ મીણા (ગોતા-અમદાવાદ, મૂળ ઉદયપુર) નારાયણ હીરાલાલ મીણા (ગોતા-અમદાવાદ, મૂળ ઉદયપુર), વિજયપાલ નવલરામ મીણા (ગોતા-અમદાવાદ, મૂળ ઉદયપુર)ને ઝડપી લીધા છે.


