ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના લીંચ ગામમાં સોમવાર સાંજે ઉછીના આપેલા રૂ.10 હજારની ઉઘરાણી મામલે બોલાચાલી બાદ 3 શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત પિતા-પુત્રને મહેસાણા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. લીંચ ગામના પાંજરાપોળની પાછળ રહેતા શંકરજી રામાજી ઠાકોર સોમવાર સાંજે 6 કલાકે ગામની ડેરીમાં દૂધ ભરાવી પરત ફર્યા ત્યારે સામે દશરથજી સોમાજી ઠાકોર મળતાં અગાઉ ઉછીના આપેલા રૂ.10 હજારની ઉઘરાણી કરી હતી.
રૂપિયા પરત કરી દીધા હોવાનું કહેતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ અંગે દશરથજીને ખોટું લાગતાં તેમણે શંકરજીને અપશબ્દો સંભળાવી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન દશરથજીનો પુત્ર દીપક ઠાકોર અને જગદીશજી વિનુજી ઠાકોરએ ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં શંકરજીના પિતા રામાજી અને ભાઇ વાલાજી ઠાકોર ઇજાગ્રસ્ત થતાં તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ મામલે લાંઘણજ પોલીસે 3 શખ્સો સામે ફરિયાદ નોંધી છે.