ગરવી તાકાત પાટણ : કરછ લાકડીયાથી બનાસકાંઠા 765 કેવી વીજ લાયનનુ ખેડૂતોને સરકારના જીઆર પ્રમાણે વળતર ચુકવવામાં નહી આવતાં ખેડૂતોમાં નારાજગી ઉભી થઈ છે. રાધનપુર-સાંતલપુર પંથકના 18 ગામના ખેડૂતોએ આ મામલે સોમવારે સુત્રોચ્ચાર સાથે નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
રાધનપુર-સાંતલપુરના ખેડુતોએ માંગ કરી છે કે સરકારના જીઆર પ્રમાણે 15 ટકા વળતર 772 ખેડૂતોને ચુકવણું કરવાનું થતું હોય છે. પરંતુ અહીં આવેલી એક પાવર પ્રોજેક્ટ કંપની દ્વારા 7.5 ટકા વળતર ચૂકવે છે, બાકીનું વળતર હજુ સુધી ખેડૂતોને ચુકવવામાં આવેલ નથી. બીજી તરફ ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, બનાસકાંઠાના કાંકરેજના ખેડૂતોને પુરતુ 15 ટકા વળતર ચુકવી દેવામાં આવેલ છે.
રાધનપુર-સાંતલપુર તાલુકાના 18 ગામના 772 ખેડૂતો સાથે ભેદભાવવાળુ વર્તન રાખી અન્યાય થતો હોવાનું જણાવ્યું હતું. તેમજ ખેડૂતોને આ અંગે ઝડપથી ન્યાય મળે તે માટે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી સરકાર સુધી અવાજ પહોંચાડવા રજૂઆત કરી હતી.