શહેરના સેવાભાવી સાપ પકડનાર યુવકે આવીને સાપને પકડી જંગલમાં સુરક્ષિત સ્થળે છોડાયો
પાલનપુરના તાજપુરા વિસ્તારમાં ગતરાત્રે એક રહેણાંક મકાનમાં સાપે દેખા દેતાં પરિવારજનો ભયભીત બન્યા હતા. ગભરાઈ ગયેલા પરિવારે આ બાબતે પાલનપુરના સાપ પકડનાર યુવકને જાણ કરતા આ યુવકે સાપને પકડી જંગલમાં સુરક્ષિત સ્થળે છોડતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
હાલમાં ચોમાસાની ઋતુના કારણે જંગલોમાં વસવાટ કરતા ઝેરી જીવજંતુઓ માનવ વસવાટ તરફ આવી જતા હોય છે. જેના કારણે કેટલીક વાર લોકોના સાપ અને વીંછી જેવા ઝેરી જીવજંતુ કરડવાથી મૃત્યુ પણ થતા હોય છે. ત્યારે પાલનપુરના તાજપુરા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં પરિવાર વાળું પાણી કરીને સુવાની તૈયારી કરી રહ્યો હતો તે વખતે મકાનની દીવાલમાં એક સાપ દેખાતાં પરિવારજનો ભયભીત બની ઘરની બહાર દોડી ગયાં હતા અને આ બાબતે જાણ થતા આસપાસના વિસ્તારમાંથી પણ લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયાં હતા.
આ બાબતે પાલનપુરના સેવાભાવી સાપ પકડનાર યુવક રઘુભાઈને જાણ કરવામાં આવતાં તેઓ આવીને ભારે જહેમત બાદ સાપને પકડીને જંગલમાં લઈ જઈ સુરક્ષિત જગ્યાએ છોડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે પાલનપુર શહેરમાં રહેતા આ યુવકે અત્યાર સુધીમાં હજારો સાપ પકડીને સુરક્ષિત જગ્યાએ છોડ્યા છે.