મહેસાણામાં કૌટુંબિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બેચરાજીના ચડાસણ ગામના સુમનભાઈ પરમારના લગ્ન 7 વર્ષ પહેલા મહેસાણાની સાંઈ નિવાસ સોસાયટીમાં રહેતા કૌશિકાબેન સાથે થયા હતા. દંપતીને બે દીકરીઓ છે, જેમાંથી એક 2.5 વર્ષની અને બીજી 7 માસની છે.
કૌશિકાબેને આરોપ મૂક્યો છે કે બે દીકરીઓને જન્મ આપ્યા બાદ તેમની સાસુ જશીબેન, સસરા ગીરીશભાઈ અને પતિ સુમનભાઈ તેમને ત્રાસ આપતા હતા. પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ સુમનભાઈ તેમની પત્ની અને બે દીકરીઓને મહેસાણા સ્થિત પિયરમાં મૂકવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે પત્ની સાથે મારઝૂડ કરી હતી.
આ ઘટનામાં કૌશિકાબેનના બે ભાઈઓ વિનય અને અજય તેમજ પિતા બાબુલાલે સુમનભાઈ સાથે ઝઘડો કર્યો હતો. બંને પક્ષે થયેલી મારામારીને પગલે મામલો મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક તરફ પત્નીની ફરિયાદમાં પતિ અને સાસુ-સસરા સામે, તો બીજી તરફ પતિની ફરિયાદમાં સાળા અને સસરા સામે ગુનો નોંધાયો છે.