– લોકસભા ચૂંટણી પુર્વે વહીવટીતંત્રનું સુકાન સંભાળવા ચુંટણીપંચની તૈયારી
– અધિકારીઓની બદલી અંગે રાજય સરકાર પાસે રિપોર્ટ માંગતુ ચૂંટણીપંચ
ગરવી તાકાત, ગાંધીનગર,તા.25 – આગામી લોકસભા ચુંટણી માટે ચુંટણીપંચે ગુજરાતમાં વહીવટીતંત્રની કમાન સંભાળવાનો પ્રારંભ કર્યો છે અને આજે એક આદેશમાં રાજયમાં છેલ્લા ચાર વર્ષમાં ત્રણ વર્ષ કે વધુ સમયથી એક જ જિલ્લામાં કે પોતાના વતન જિલ્લામાં ફરજ બજાવતા હોય તેઓને બદલી કરવાનો આદેશ અપાયો હતો. તે અંગે રાજય સરકાર પાસે અહેવાલ માંગ્યો છે.
પંચે તા.30-6-24ની સ્થિતિએ જે અધિકારીઓ અને કર્મચારીઓ છેલ્લા ચાર વર્ષમાં ત્રણ વર્ષ કે વધુ સમયથી કે પોતાના વતન જિલ્લામાં ફરજ બજાવતા હોય તેમની બદલી કરવા તા.21 ડિસેમ્બરના રોજ રાજય સરકારને જણાવ્યું હતું.
આ સંદર્ભમાં ગૃહ વિભાગ અને નાગરિક પુરવઠા, સામાન્ય વહીવટ પંચાયત અને ગૃહનિર્માણ, મહેસુલ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, નર્મદા જળસંપતિ, પાણીપુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શ્રમ અને કૌશલ્ય વિકાસ, નાણાંવિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા સહકારી વિભાગ, મહિલા અને બાળકલ્યાણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શિક્ષણ વિભાગના નાયબ- સંયુક્ત અધિક સચીવની એક બેઠક આજે સાંજે બોલાવી છે અને તેમાં આ બદલી અંગેની માહિતી પંચ સમક્ષ રજુ કરવાની રહેશે.