ગુજરાત, તામિલનાડુ અને આંધ્રપ્રદેશની સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા મારફત તુવેરદાળ આપે છે
દેશમાં સપ્ટેમ્બરના પુરા થતા વર્ષમાં તુવેરનું ઉત્પાદન ઘટીને 25થી28 લાખ ટન રહ્યું છે.
દેશમાં 43થી44 લાખ ટનની માંગ છે અને કેન્દ્ર સરકાર પાસે હવે 1.50 લાખ ટન તુવેરદાળનો જથ્થો ઉપલબ્ધ છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 20 – દેશમાં ફરી એક વખત ‘દાળ’ની સમસ્યા ઉભી થઈ છે. તુવેરદાળના ઘટેલા ઉત્પાદન અને વધતી માંગના કારણે કેન્દ્ર સરકારે હવે ગુજરાત સહિતના રાજયોને તેવી જાહેર વિતરણ વ્યવસ્થામાં તુવેર દાળના બદલે ચણા અથવા મસૂરની દાળ આપવાની સૂચના આપી છે. ખાસ કરીને ગુજરાત, તામિલનાડુ અને આંધ્રપ્રદેશની સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા મારફત તુવેરદાળ આપે છે તેના બદલે બંગાળના ચણા અને મસુરની ખરીદી કરીને જાહેર વિતરણ વ્યવસ્થા મારફત આપવા જણાવ્યું છે.

જો કે તામિલનાડુ સરકારે તો તેના રાજયમાં તુવેરદાળનો પોષક આહાર તરીકે ઉપયોગ થતો હોવાથી તેને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આપવા ખુલ્લા બજારમાંથી તુવેરદાળ ખરીદી શરુ કરી છે. દેશમાં સપ્ટેમ્બરના પુરા થતા વર્ષમાં તુવેરનું ઉત્પાદન ઘટીને 25થી28 લાખ ટન રહ્યું છે. જેની સાથે સ્થાનિક વપરાશ 43થી44 લાખ ટનનો છે અને કેન્દ્ર સરકાર પાસે હવે 1.50 લાખ ટન તુવેરદાળનો જથ્થો ઉપલબ્ધ છે.
જેના કારણે તુવેર દાળના ભાવ સતત વધતા રહે છે. કેન્દ્ર સરકાર રાજયને તુવેરદાળમાં રૂા.15 પ્રતિકિલોના ઓછા ભાવે આ દાળ પુરી પાડે છે અને હવે ડિસ્કાઉન્ટ ચણા પર ઓફર કરશે. આમ ચણા પરની સબસીડી લગભગ ડબલ થઈ છે. કેન્દ્ર વતી અત્યાર સુધીમાં 18 લાખ ટન ચણા અને 49 હજાર ટન મસૂરની ખરીદી કરી છે. જો કે કેન્દ્ર પાસે તમામ કઠોળનો કુલ 40 લાખ ટનનો જથ્થો છે તેથી એકંદરે પરીસ્થિતિ કાબુમાં છે તો બીજી બાજુ મ્યાનમાર વાતચીત કરી આ દેશમાંથી તુવેરદાળ ખરીદવાની અને નિયમિત રીતે જથ્થો મળે તે જોવા પ્રયાસ થઈ રહ્યા છે. ભારતમાં વેપારીઓ મ્યાનમારમાંથી 2.50 લાખ ટન અડદ અને એક લાખ ટન તુવેર આયાત કરી શકે છે.


