ગરવી તાકાત ગાંધીનગર : હાર્દિક પટેલ આજે વિધિવત ભાજપમાં જોડાયા છે. નિતિન પટેલ અને સીઆર પાટીલની હાજરીમાં તેમણે કેસરીયો ધારણ કર્યો છે. હાર્દિકના ભાજપમાં જોડાવા અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મુદ્દે ભાજપના નેતાઓને સવાલો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ કરાવવો પડે એવી તે કઈ મજબૂરી છે આપની.
કાનના કીડા ખરી જાય એવુ બોલનાર હાર્દિક પટેલને ભાજપમાં શા માટે લેવો પડ્યો. તમારે કેમ આવા લોકોને લેવા પડે છે. સાથ જ તેમણે કોંગ્રેસ પક્ષ છોડીને ગયેલા હાર્દિક પટેલને એક સલાહ પણ આપી હતી.
જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ભૂતકાળમાં જે મિત્રો ભાજપમાં ગયા છે કે જેઓ આજે જઈ રહ્યા છે, તેમના ભાજપમાં જતા પહેલાના અને તેઓ કોંગ્રેસમાં હતા ત્યારની તેમની સ્પીચ જુઓ, ત્યારના તેમના મુદ્દા જુઓ ત્યારે ભાજપના ટોચના નેતૃત્વને જે બોલ્યા તે તેમના શબ્દો જુઓ એ બધુ ભૂલીને શું એવી મજબૂરી છે
કે તેમનો ભાજપમાં પ્રવેશ કરાવી રહ્યા છો, તે સવાલ હું ભાજપને પૂછી રહ્યો છું. જે લોકો જઈ રહ્યા છે તેમને હું કહેવા માંગુ છું કે જ્યાં છો ત્યાં ઠરીઠામ થઈને રહેજો, તમારું ભવિષ્ય બને એ દિશામાં કામ કરજો.
ભાજપનો કેસરિયો ખેસ પહેર્યા બાદ હાર્દિક પટેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ભાજપમાં મને કામ કરવાની સારી તક મળશે. હું ભાજપમાં સૈનિકની ભૂમિકામાં જોડાયો છું. ભાજપનો સામાન્ય કાર્યકર બનીને રાજ્યના હિત માટે કામ કરીશ. કરોડો લોકો ભાજપ સાથે જોડાઈ દેશની સેવા કરવા માગે છે. આનંદીબેન મારા પિતાને રાખડી મોકલતા હતા. તેઓ મારા ફઈ બા છે. મારા પિતા પણ ભાજપ માટે કામ કરતા હતા. હું ઘરમાં પાછો ફરી રહ્યો છું.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ પીએમના નિર્ણયોથી સહમત હતો. 370 કલમ, NRC મુદ્દે પણ મેં સમર્થન આપ્યું હતું. કોંગ્રેસે રામ મંદિર આધારશિલા માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. કોંગ્રેસના લોકોએ તો મારા પર પણ ઘણા આક્ષેપો કર્યા. અમે જે આંદોલન ચલાવ્યું હતું તેના કારણે લોકોને ફાયદો થયો છે. આ આંદોલનમાં શહીદ થયેલા પરિવારોને નોકરી અપાવીશું. પાટીદાર સાથીદારોને વધુ સહાય આપવાનો પ્રયાસ કરીશું. આંદોલન સરકાર સામે હતું અને સરકારે જ પૂર્ણ કર્યું.