-> GPSCના મૌખિક ઇન્ટરવ્યુ મુદ્દે સવાલ ઉઠાવી ભાજપના ધારાસભ્યો સાથે લડતની આપી ચીમકી :
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના મૌખિક ઇન્ટરવ્યુ પર ગંભીર આરોપો લાગ્યા છે. સત્તાધારી પાર્ટી ભાજપના નેતા અને માણસાના પૂર્વ ધારાસભ્ય તેમજ અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરીભાઈ ચૌધરીએ GPSCના ઈન્ટરવ્યુમાં ચોક્કસ સમાજના ઉમેદવારોને આયોજનપૂર્વક ઓછા ગુણ આપવામાં આવ્યા હોવાનો ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. હરીભાઈ ચૌધરીના દાવા પ્રમાણે GPSCની ઇન્ટરવ્યુ પ્રક્રિયા પારદર્શક નથી. લેખિત પરીક્ષામાં ટોચના ગુણ લાવનાર ઉમેદવારોને મૌખિક ઈન્ટરવ્યુમાં માત્ર 20 થી 25 ગુણ આપીને નાપાસ કરવામાં આવે છે. જયારે જનરલ કેટેગરીના ઉમેદવારો લેખિત પરીક્ષામાં ઓછા ગુણ ધરાવતા હોવા છતાં તેવા વધારે ગુણ આપીને પાસ કરાવવામાં આવી રહ્યા છે.
-> લેખિતમાં 426 ગુણ, ઇન્ટરવ્યુમાં માત્ર 26! :- હરિભાઇ ચૌધરીએ ઉલ્લેખ કર્યો કે, ચૌધરી સમાજના એક ઉમેદવારે GPSCની મુખ્ય પરીક્ષામાં 426 ગુણ મેળવ્યા હતા. તેમ છતાં તેને ઇન્ટરવ્યુમાં માત્ર 26 ગુણ આપીને નાપાસ કરવામાં આવ્યો હતો. ગંભીર બાબત તો એ છે કે આ ઉમેદવારે UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષા તાજેતરમાં પાસ કરી છે. આ ઉમેદવારનું ઉદાહરણ આપીને હરીભાઈ ચૌધરીએ “સરકારને શરમ આવવી જોઈએ,” તેમ કડક શબ્દોમાં જણાવ્યું છે.
-> આંકડા પણ ચોંકાવનારા છે :- GPSCના પહેલાંના સમયગાળા (હસમુખ પટેલના આગમન પહેલા) દરમિયાન 3400 માંથી માત્ર 11 ઉમેદવારોને મૌખિક ઈન્ટરવ્યુમાં 25થી ઓછા ગુણ મળ્યા હતા. જ્યારે વર્તમાન ચેરમેન હસમુખ પટેલના કાર્યકાળ દરમિયાન 700 ઉમેદવારોમાંથી 136 ઉમેદવારોને 25 થી ઓછા ગુણ મળ્યા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, EBC અને જનરલ કેટેગરીના ઉમેદવારોના ઓછા લેખિત ગુણ ધરાવનારા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં 70 થી વધુ ગુણ મળ્યા છે.
હરીભાઈ ચૌધરીએ જણાવ્યુ કે, લેખિત પરીક્ષામાં 400 ઉપર માર્કસ મેળવનાર 10થી વધુ ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં 50થી ઓછા માર્કસ આપવામાં આવ્યા છે. પોલીસ પરીક્ષાઓમાં પણ દોડના જે 50 માર્ક મળતા હતા તે ઝીરો કરી દીધા છે. આના કારણે અમારા બાળકો જે દોડમાં સારા માર્કસ લાવતા હતા. તેઓ પાછળ રહી ગયા છે. બીજી તરફ EBC વર્ગના 400થી ઓછા માર્કસ લાવનારા અનેક ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં 70થી વધારે માર્કસ આપવામાં આવ્યા છે. તેવી જ રીતે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને પણ મૌખિક ઇન્ટરવ્યુમાં સારા માર્કસ આપવામાં આવ્યા હતા.
-> “આ પરિણામ ભેદભાવ દર્શાવે છે” હરિભાઈ ચૌધરી :- હરીભાઈ ચૌધરીએ જણાવ્યુ કે, “હું કોઇ જ્ઞાતિ વિરોધી નથી. પણ ચોક્કસ જાતિના ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુમાં ઓછા ગુણ અપાય તો એ પ્રશ્ન છે. હસમુખ પટેલની ઇમેજ સારી છે. તેઓ સાચા ઓફિસર છે. પણ તેમના કાર્યકાળમાં આવો અન્યાય થાય તે યોગ્ય નથી.”
-> ચૌધરી સમાજમાં ઉઠ્યો આક્રોશ :- હરીભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ સમાજના યુવાનોએ તેમને કહ્યુ હતું કે, તેઓ ખેતી અને પશુપાલન કરી પૈસા ભેગા કરી પરીક્ષા માટે તૈયારી કરે છે. લેખિતમાં ઊંચા ગુણ મળ્યા પછી મૌખિક ઇન્ટરવ્યુમાં અન્યાય થાય ત્યારે GPSC અને સરકારની પારદર્શક કામગીરી સામે પ્રશ્ન ઊભો થાય છે.
-> હરીભાઈ ચૌધરીના પત્રને 10 દિવસ થવા છતાં સરકાર શાંત :- હરિભાઇ ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 5 મે 2025ના રોજ પત્ર લખ્યો છે. તેમ છતાં હજી સુધી કોઇ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. તેથી હરીભાઈ ચૌધરીએ ભાજપ સરકારને ચીમકી આપતાં કહ્યું છે કે, “ભાજપના કેટલાક ધારાસભ્યો અમારી સાથે છે. સરકાર યોગ્ય પગલું નહીં ભરે તો અમે કાયદેસરનો માર્ગ લેશું.” ન્યાય નહીં મળે તો બધા જ સમાજના 5-5 આગેવાનોને બોલાવી સરકારમાં રજૂઆત કરીશું બાકી અમે તો કોર્ટ મેટર કરવાના જ છીએ. મારા સમાજના ગૃપ પાસે ડેટા મંગાવ્યો છે. છેલ્લા બે ત્રણ વર્ષથી આવું કામ ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
-> આ પ્રશ્ન માત્ર ચૌધરી સમાજનો નથી :- GPSCમાં મૌખિક ઈન્ટરવ્યુમાં અન્યાયનો મુદ્દો માત્ર એક જ્ઞાતિ પૂરતો નથી. SC, ST, OBC સમાજનો પ્રશ્ન છે. ઉમેદવારો તો એવું કહે છે કે તમે કહો તો અમે પાંચેક હજાર ઉમેદવારો આવી જઇએ. અમે સરકારને ડેમેજ કરવા નથી માંગતા. પરંતુ દરેક યુવાન માટે છે જે GPSC જેવી સંસ્થામાં ન્યાય અને સમાનતા પર વિશ્વાસ રાખે છે. હસમુખ પટેલ કે GPSC સામે આક્ષેપોના નિરાકરણ માટે સરકાર તરફથી ગંભીર પગલાં ભરાય તે જરૂરી છે. હવે આ લોકો ઇન્ટરવ્યુના 100 માંથી 150 માર્ક કરવા જઇ રહ્યા છે. જો આવું થશે તો લેખિતમાં સારા માર્કસ લાવ્યા હશે તો પણ ઇન્ટરવ્યુમાં ઓછા માર્કસ આપશે તો ક્યારેય પાસ નહીં થાય.
-> કોણ છે હરીભાઈ ચૌધરી? :- હરીભાઈ ચૌધરી હાલમાં ભાજપના નેતા છે. વર્ષ 1998માં માણસા બેઠક પર રાજપામાંથી ચૂંટણી લડ્યા હતા. વર્ષ 2002માં માણસા બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમના પુત્ર અમિત ચૌધરી માણસાના પૂર્વ ધારાસભ્ય છે. શેઠના હુલામણા નામથી પ્રખ્યાત હરીભાઈ ચૌધરીની સમાજમાં દાનવીર તરીકે છાપ છે. હાલમાં તેઓ અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ અને અખિલ ભારતીય આંજણા સમાજના પૂર્વ પ્રમુખ છે. હરીભાઈ ચૌધરીએ આંજણા ચૌધરી સમાજને OBCમાં સમાવવા લડત ચલાવતાં વર્ષ 1995માં ચૌધરી સમાજનો OBCમાં સમાવેશ કરાયો હતો.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 22 એપ્રિલ 2025ના રોજ સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2024 નું અંતિમ પરિણામ જાહેર કર્યુ હતું. જેમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલ ચૌધરીએ 348મો રેન્ક મેળવ્યો હતો. GPSC દ્વારા લેવાયેલી વર્ગ-1 અને 2ની ભરતી પ્રક્રિયામાં વિપુલ ચૌધરીએ મુખ્ય પરીક્ષામાં 429.25 ગુણ મેળવ્યા હતા. પરંતુ, મૌખિક ઈન્ટરવ્યુમાં માત્ર 20 ગુણ આપી નાપાસ કરવામાં આવ્યો હતો. વિપુલ ચૌધરીએ UPSCની પરીક્ષામાં 348મો ક્રમાંક મેળવતાં GPSC અને વર્તમાન ચેરમેન હસમુખ પટેલની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે.
-> કેવી રીતે GPSC શંકાના ઘેરામાં આવી? :- જાહેરાત ક્રમાંક 20/ 2024માં લેખિત પરીક્ષા પાસ કર્યા પછી મૌખિક ઇન્ટરવ્યુમાં 82 ગુણના ગેપિંગને લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરનારા ઉમેદવારોએ સવાલ ઉઠાવ્યા હતા. 20/2024ની જાહેરાતમાં અગાઉની એક ભરતીમાં ગેરરીતિ આચરવા બદલ ઉમેદવાર ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. તે ઉમેદવારને મૌખિક પરીક્ષામાં 92 ગુણ આપીને સિલેક્ટ કરી દેવાયો હતો. જેના કારણે મુખ્ય પરીક્ષામાં માત્ર 371 ગુણ ધરાવતા ઉમેદવારો વર્ગ-1, 2 માં સિલેક્ટ થઈ ગયા હતા. જ્યારે વિપુલ ચૌધરી જેવા ઘણાં ઉમેદવારોનું મુખ્ય પરીક્ષાનું મેરિટ 427 થી લઈ 429.25 હોવા છતાં મૌખિક ઈન્ટરવ્યુમાં 10-20 સુધી ગુણ આપીને નાપાસ જાહેર કરાયા હતા. ભૂતકાળમાં GPSCની જાહેરાત ક્રમાંક 10/2020, 26/2021, 30/2022 સહિતની અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મૌખિક ઈન્ટરવ્યુમાં સૌથી વધુ અને ઓછા ગુણની વચ્ચેનો તફાવત 30 થી 40 ગુણ વચ્ચેનો રહ્યો છે. જ્યારે જાહેરાત ક્રમાંક 20/2024 હેઠળની ભરતીમાં મહત્તમ 92 અને લઘુત્તમ 10 જેટલુ અંતર એટલે કે 82 માર્ક્સનુ ગેપિંગ ઈતિહાસમાં પહેલીવાર જોવા મળ્યુ હતું. જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા ઉમેદવારો સાથે રમત થઈ રહ્યાની લાગણી પ્રસરી હતી.