ગરવી તાકાત મહેસાણા: વડનગર સિવિલ હોસ્પિટલમાં મંગળવારે ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આગામી સમયમાં રાજ્યના તમામ તાલુકાઓ અને જરૂરિયાતવાળા વિસ્તારોમાં ડાયાલિસિસ કેન્દ્રો શરૂ કરાશે. આ પહેલાં તેમણે મહાશિવરાત્રિ નિમિત્તે હાટકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી લોકોના તંદુરસ્ત આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. ટાઉનહોલમાં યોજાયેલા ઈ-લોકાર્પણ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, ડાયાલિસિસના દર્દીને નજીકની હોસ્પિટલમાં જ સારવાર મળી રહે તેવો પ્રયાસ છે. રાજ્યમાં દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ શરૂ કરવા સરકાર પ્રયત્નશીલ છે.
ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે મોડલ સ્ટેટ બનાવ્યું છે. નરેન્દ્રભાઇ મોદીએ જોયેલું સ્વપ્ન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની ટીમ ગુજરાત પૂર્ણ કરી રહી છે. વન નેશન વન ડાયાલિસિસની દિશામાં ગુજરાતની આગવી પહેલ છે. તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદી દ્વારા કિડની સંબંધી બીમારી સાથે સંકળાયેલા દર્દીઓને 30-40 કિમી ત્રિજ્યામાં જ ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ કાર્યરત કરાયો છે.
આ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શ્રેષ્ઠ સંચાલન કરી રાજ્યભરમાં 61 ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરાયાં છે. આજે નવાં 31 કાર્યાન્વિત થતાં હવે આવાં કેન્દ્રોની સંખ્યા 92 થઇ છે. ઋષિકેશ પટેલે દેવગઢ બારિયા અને વડોદરામાં ડાયાલિસિસની સારવાર લેતા દર્દીઓ સાથે ઇ-સંવાદ કરી પ્રતિભાવો જાણ્યા હતા.
કાર્યક્રમમાં સાંસદ જુગલ લોખંડવાલા, ધારાસભ્ય અજમલજી ઠાકોર, સામાજિક અગ્રણી સોમભાઇ મોદી, અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, અગ્રસચિવ શાહમીના હુસૈન, ડીડીઓ ડૉ.ઓમપ્રકાશ વગેરે હાજર રહ્યા હતા. જોકે, કાર્યક્રમમાં લોકો કરતાં વિદ્યાર્થીઓ વધુ હતા. તેમજ ભોજન સમારંભમાં અવ્યવસ્થા સર્જાતાં અગ્રણીઓએ ટીકા કરી હતી.
— ઘરઆંગણે સુવિધા, રોજ 21 દર્દીનું ડાયાલિસિસ થઇ શકશે:
વડનગર સિવિલ હોસ્પિટલમાં 7 બેડની સુવિધા સાથે નવું ડાયાલિસિસ સેન્ટર શરૂ કરાતાં હવે ડાયાલિસિસ કરાવવા લોકોને વિસનગર કે મહેસાણા સુધી લાંબા થવું નહીં પડે. રોજના 21 લોકોનું ડાયાલિસિસ થાય તેવી સુવિધા છે.