ટીમ ઈન્ડિયાએ હાર સાથે સાઉથ આફ્રિકાનો પ્રવાસ ખતમ કરી દીધો છે. વનડે સીરીઝની છેલ્લી મેચમાં ભારતીય ટીમનો ૪ રને પરાજય થયો હતો. તે સીરીઝ ૦-૩થી હારી ગઈ હતી. જાેકે, જ્યારે દીપક ચાહર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે. પરંતુ તેના આઉટ થતાની સાથે જ ટીમ ઈન્ડિયાની આશા પણ ખતમ થઈ ગઈ. દીપક ચહરે ૩૪ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૫૪ રન બનાવ્યા હતા. તેણે જસપ્રિત બુમરાહ સાથે આઠમી વિકેટ માટે ૫૫ રનની ભાગીદારી કરી હતી
દીપક ચહર પેવેલિયન પરત ફર્યો ત્યારે ટીમ ઈન્ડિયાને ૧૧ રનની જરૂર હતી. પરંતુ તેના આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયા સ્કોરબોર્ડ પર માત્ર ૫ રન જ ઉમેરી શકી અને ૪ રનથી મેચ હારી ગઈ. દીપક ચહરના ચહેરા પર આ હારનું દુખ સ્પષ્ટ દેખાતુ હતુ. મેચ બાદ તે ભાવુક જાેવા મળ્યો હતો. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે ૪૯.૫ ઓવરમાં ૨૮૭ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ૪૯.૨ ઓવરમાં ૨૮૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને યજમાન ટીમે ચાર રને મેચ જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી બેટિંગમાં ક્વિન્ટન ડી કોકે ૧૨૪ રન બનાવ્યા હતા. બોલિંગમાં એન્ડીલે ફેહલુકવાયો અને લુંગી એનગિડીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી
(ન્યુઝ એજન્સી)


