-> બહુમાળી બિલ્ડિંગના કામમાં હલકું મટીરીયલ વાપરી કોન્ટ્રાક્ટરે ગેરરીતિ આચરી હોવાના કારણે ઠેરઠેર તિરાડો પડી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ :
-> SSA ના એન્જિનિયર હરપાલસિંહની નિગરાની નીચે બની રહેલ સુઈગામ તાલુકાની પ્રાથમિક શાળાની બિલ્ડિંગોમાં ઠેરઠેર ભ્રષ્ટાચાર આચરાયો હોઈ ઉચ્ચસ્તરેથી તપાસ થશે??
ગરવી તાકાત સુઈગામ : સરહદી સુઈગામ તાલુકાની વાઘપુરા, માધપુરા બાદ ધ્રેચાણા ગામની પ્રાથમિક શાળાની નવી બનેલી બિલ્ડિંગમાં ઠેરઠેર તિરાડો જોવા મળતા ગામના જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચસ્તરેથી તપાસ થાય એ માટે રજૂઆત કરી છે, ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં મકાનો જર્જરીત થતાં સરકારશ્રી દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ થકી શાળાના નવીન મકાનો બનાવવાની કામગીરી થઈ રહી છે,જવાબદાર એન્જિનિયરની નિષ્ક્રિયતાના કારણે કોન્ટ્રાક્ટરો મનફાવે તેમ કામ કરતા હોઈ હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયુ હોઈ તાલુકાની અંતરિયાળ ધ્રેચાણા ગામની પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગમાં ઠેરઠેર તિરાડો પડી ગઈ છે, ધ્રેચાણા ગામના જાગૃત નાગરિક કાનજીભાઈ પટેલે ગામની શાળામાં બનેલ નવીન બિલ્ડિંગની જાત મુલાકાત લઈ જોતા ઠેરઠેર તિરાડો જોવા મળી હતી,જેને લઈ પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ધ્વારા હલકું મટીરીયલ વાપર્યું હોવાના આક્ષેપ કર્યા હતા,

ખરાબ કામગીરીના કારણે પડેલી નાની મોટી તિરાડો એ ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો હોવાનું તેમણે જણાવ્યું હતું,સરકારી પ્રાથમિક શાળાની બહુમાળી બિલ્ડિંગમાં અનેક જગ્યાએ મોટી મોટી તિરાડો જોવા મળી હતી, લાંબી લાંબી પડેલી તિરાડોએ જ કોન્ટ્રાક્ટરની હલકી ગુણવતાની કામગીરીની પોલ ખોલી હોવાનું પ્રતિત થયું છે, બાજુમાં આવેલ જુની બિલ્ડિંગમાં રિનોવેશન કામમાં પણ વેઠ વાળવામાં આવી છે, બિલ મંજૂર કરાવવા કલર કરેલ હોઈ એ પણ ઉખડી ગયેલ છે, વળી આગળના ભાગમાં નાખવામાં આવેલ પેવર બ્લોકના કામમાં પણ બેદરકારી દાખવેલ હોઈ ઉખડી ગયેલ જોવા મળ્યા હતા, આ અંગે SMC ના અધ્યક્ષ ભરતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર પોતાની મનમાની પ્રમાણે શાળાનું કામ કરી રહ્યો છે, કામના સ્થળે વારંવાર મુલાકાત લઈ એસ્ટિમેન્ટ કોપી, તેમજ ટેન્ડર કોપી માંગવા છતાં આપી નથી, અને મનમાની રીતે કામ કરેલ છે, અને કામમાં ગંભીર બેદરકારી રાખી હોઈ શાળાની નવી બિલ્ડિંગમાં તિરાડો પડી છે, જે અંગે ઉચ્ચસ્તરેથી તપાસ થાય તેવી પણ તેમણે રજૂઆત કરી હતી,

-> SSA ના એન્જિનિયર મીઠી નજર તળે તાલુકામાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર :- સુઈગામ તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓના નવીન બિલ્ડિંગ કે રિનોવેશન કામ માટે SSA ના એન્જિનિયર હરપાલસિંહની જવાબદારી બને છે,પણ કોન્ટ્રાક્ટરો સાથે જવાબદાર એન્જિનિયરની મીલીભગતથી સરકાર શ્રી ની કરોડો રૂપિયાની ગ્રાન્ટ થકી બનતી પ્રાથમિક શાળાઓની ગ્રાન્ટમાં ભાગબટાઈ કરાતી હોવાનું જોવા મળી રહ્યું છે,વાઘપુરા, માધપુરા અને ધ્રેચાણા ત્રણ શાળાઓની બિલ્ડિંગોના કામમાં ખુલ્લેઆમ ગેરરીતિ આચરાઈ છે,ત્યારે સુઈગામ તાલુકામાં બનતી નવીન પ્રાથમિક શાળાની બિલ્ડિંગોની ઉચ્ચસ્તરેથી વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે,

-> SSA ના એન્જિનિયરની કામગીરી સામે સવાલો :- સુઈગામ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં ચાલતા બાંધકામ પર જેમને સતત નિગરાની રાખવાની જવાબદારી છે,એવા સર્વ શિક્ષા અભિયાનના એન્જિનિયર જે તે જગ્યાએ ચાલતા કામો પર ઉડતી મુલાકાત લેતા હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં પણ કામ થઈ રહ્યું છે, એ કોન્ટ્રાક્ટરના ભરોસે થાય છે, ક્યારેય ચાલુ કામમાં હાજર રહેતા ના હોવાના કારણે જવાબદાર એન્જિનિયર ઉપર કોન્ટ્રાક્ટરો સાથેની ભાગબટાઈ ના આક્ષેપો થઈ રહ્યા છે, એન્જિનિયરશ્રી નિયત ટકાવારીમાં જ રસ રાખતા હોઈ કોન્ટ્રાક્ટરોને મનફાવે તેમ કામ કરવાનું મોકળું મેદાન આપતા હોવાના ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે, ત્યારે એમના વિરુદ્ધ પણ ખાતાકીય તપાસ થાય એ જરૂરી છે,


