— વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના એક ગામમાં 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર દોષિત યુવાનને કોર્ટે 20 વર્ષની સખત કેદની ફટકારી છે. આ ઉપરાંત પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
— પાવાગઢ સહિત વિવિધ સ્થળોએ દુષ્કર્મ આચર્યું: વર્ષ 2013માં 16 વર્ષની સગીરાને નરેશ નામનો યુવક લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ આ અંગે યુવકના કાકા અને કાકીને જાણ કરવા પહોંચતા તેઓએ ટાટીયા તોડી નાંખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નરેશે સગીરાનું અપહરણ કર્યાં બાદ બાઇક ઉપર પાવાગઢ સહિત અલગ-અલગ સ્થળોએ લઇ જઇ સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.
— પોક્સો કોર્ટ સ્પેશિયલ જજની કોર્ટમાં કેસ દાખલ થયો: આ અંગે કરજણ પોલીસ સ્ટેશન નરેશ મણિલાલ પરમાર, પાર્વતીબેન મણિલાલ પરમાર, મણિલાલ ગમનભાઈ પરમાર, સોમાભાઈ નરોત્તમભાઈ પરમાર (તમામ રહે. વીરજઇ ગામ, કરજણ, વડોદરા) વિરુદ્ધ અપહરણ, બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જે અંગેનો કેસ અદાલતમાં 21 જૂન 2013ના રોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ તથા પોક્સો કોર્ટ સ્પેશ્યિલ જજ આર.ટી.પંચાલની કોર્ટમાં દાખલ થયો હતો.
— દોષિતને 20 વર્ષની કેદની સજા: ફરિયાદી તરફે જે. એમ કંસારા અને આરોપીઓ તરફે એન.જી.પરમાર તથા એચ.કે. મકવાણાએ દલીલો કરી હતી. આ દરમિયાન આરોપીઓ પૈકી સોમાભાઈનું વર્ષ 2014 દરમિયાન મૃત્યું થતાં તેમની સામેનો કેસ એબેટ કરવાનો હુકમ થયો હતો. અદાલતે બન્ને પક્ષોની દલીલો, 19 મૌખિક પુરાવા અને 26 દસ્તાવેજી પુરાવા ચકાસી 126 પાનાંનો ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં આરોપી નરેશ પરમારને અપહરણ તથા બળાત્કારના ગુનામાં દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને 25 હજારનો દંડ ફટકાર્યો હતો અને ભોગ બનનાર પીડિતાને રૂપિયા 4 લાખ વળતર તરીકે ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે. જ્યારે અન્ય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કર્યાં હતા.
(ન્યુઝ એજન્સી)