ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના લાંઘણજમાં એક વેપારી પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે 5 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી. શંકરભાઈ કેશવલાલ પ્રજાપતિ નામના વેપારી 15 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે પોતાની દુકાને ગયા હતા.દિનેશ ભગુભાઈ પટેલ નામના વ્યક્તિએ દુકાને આવીને ભત્રીજીને હેરાન કરવા બાબતે તકરાર કરી હતી.
વેપારીએ ગાળો બોલવાની ના પાડતા દિનેશ ઉશ્કેરાઈ ગયા અને મારપીટ કરતા વેપારી રોડ પર પડી ગયા હતા. આ દરમિયાન પ્રકાશ ગંગારામ પટેલ, સંદિપ બાબુભાઈ પટેલ, મનીષ પટેલનો દીકરો ક્રિશ અને કરણ દિનેશભાઈ પટેલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બધાએ ભેગા મળીને વેપારીના પેટ અને છાતીના ભાગે મારપીટ કરી હતી. આ હુમલામાં વેપારીને ગંભીર ઈજાઓ થતાં 22 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
લાંઘણજ પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પાંચેય આરોપીઓએ મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. સરકારી વકીલ પરેશ કે. દવેએ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીને ફરિયાદીની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની દલીલ કરતાં કોર્ટે તમામ આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.