ગરવી તાકાત મેહસાણા: સતલાસણા નજીકના એક ગામના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા 5 લાખની ખંડણી ઉઘરાવે તે પહેલાં સતલાસણા પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા હતા. બંનેને સતલાસણા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પાલનપુર એરોમા સર્કલ ઉપરથી વૃદ્ધને છોડાવીને સતલાસણા પોલીસે ભાભર તાલુકાના મીઠા ગામના ચાવડા(ઠાકોર) વશરામજી તેજાજી અને સાંતલપુરના જાજમના ઠાકોર તેજમલજી લવીંગજીને પકડી લીધા હતા.
જ્યારે પ્રેમજાળમાં ફસાવનાર યુવતી સહિત 4 શખ્સો ઈકો લઈને ભાગી ગયા હતા. બંને શખ્સોને સતલાસણા પોલીસે કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સતલાસણા પીએસઆઈ આર.કે.પાટીલે કહ્યુ કે, સહઆરોપીઓને પકડવાના હોવાથી, ગુનામાં વપરાયેલી ઈકો, હથિયાર, ભોગ બનનારની માહિતી આરોપીઓને કોણે આપી, અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ, ભવિષ્યમાં કોઈને ટાર્ગેટ કરવાના હતા કે કેમ તેવા કારણોની તપાસ કરવાની હોવાથી 10 દિવસના રિમાન્ડ માગતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


