મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ વ્યાજખોરો મામલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી
વ્યાજખોરની વિગત આપનારની માહિતી ગુપ્ત રખાશે, ૧૦૦ નંબર પર પોલીસને રજૂઆત કરી શકાશે
ગરવી તાકાત, મહેસાણા તા. 10 – મહેસાણા જિલ્લામાં હવે વ્યાજખોરોની ખેંર નથી વ્યાજખોરીને ડામવા માટે જિલ્લા પોલીસવડાએ પણ લાલ આંખ કરી છે જેના ભાગરૂપે મહેસાણા એસપી અચલ ત્યાગી દ્વારા પ્રેસ કોન્ફરસ યોજવામાં આવી હતી જેમાં પત્રકારોને સંબોધતાં એસપીએ જણાવ્યું હતું કે, મહેસાણામાં વ્યાજખોરોની સાત ફરિયાદો સામે આવી છે. આગામી દિવસોમાં મહેસાણા જિલ્લાના કડી, વિસનગર, ખેરાલુ, વિજાપુર સહિત તમામ જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી છૂટકારો મેળવવા લોક દરબાર યોજવા આદેશ આપી દેવામાં આવ્યાં છે.
લોક દરબારમાં વ્યાજખોરો મામલે લોકો રજૂઆત કરી શકશે તો સાથે સાથે વ્યાજખોરોની પોલીસના ૧૦૦ નંબર ઉપર ડાયલ કરીને માહિતી આપી શકાશે. વ્યાજખોરોની માહિતી આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. વ્યાજખોરીથી બચવા માટે લોકો જાગૃત થાય તે માટે ૧૨ જાન્યુઆરીએ સેમિનાર યોજવામાં આવશે. આ સેમિનારમાં બેંકોના પ્રતિનિધિઓ હાજર રાખી ફાઇનાન્સ મેળવવાનીની માહિતી આપવામાં આવશે.
ગુજરાતમાં વ્યાજખોરોના ખપ્પરમાં પીસાઇને અનેક નિર્દોષ નાગરીકોના આપઘાતના વધતાં જતાં કિસ્સાઓની નોંધ લેતાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મજબૂરીમાં વ્યાજે નાણાં લેનાર અને ઉંચી ટકાવારી ભરનાર ગુજરાતની પ્રજાના વ્હારે આવી એક નવો પ્રજાનો હિતલક્ષી નિર્ણય લઇ વ્યાજખોરોને ડામી દેવા એક અનોખુ અભિયાન હાથ ધર્યું છે જેના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના પોલીસ વિભાગના પોલીસવડા અને તેમના તાબાના તમામ અધિકારીઓ કર્મચારીઓને વ્યાજખોરો સામે કડક હાથે પગલા ભરવા આદેશ આપી દીધા છે.
જેને લઇને રાજ્યના તમામ નાના શહેરોથી લઇ મોટા શહેરોનું પોલીસતંત્ર હરકતમાં આવી વ્યાજખોરો સામે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાં વ્યાજખોરોની અટકાયત કરવાની કાર્યવાહી આરંભી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. તો સુરતમાં ૩૦થી ૪૦ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવતાં વ્યાજખોરોમાં સોંપો પડી ગયો છે.


