ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ શંકર ચૌધરી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી
વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરીએ ભાજપાના ઉમેદવારની તરફેણમાં સભા કરી
બનાસકાંઠાના ભાજપાના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પ્રચાર કરી શક્તા નથી
ગરવી તાકાત, ગાંધીનગર તા. 12 – ગુજરાત વિધાનાસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ચુટંણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસ દ્વારા ચુંટણી સંદર્ભે શંકર ચૌધરી દ્વારા આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરીએ ભાજપાના ઉમેદવારની તરફેણમાં સભા કરી હતી. તેમણે બનાસકાંઠાના ભાજપાના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પ્રચાર કરી શક્તા નથી. અધ્યક્ષ નિયુક્ત થયાની સાથે જ તેઓ કોઇ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી. તેથી વીડિયો પુરાવાને આધારે કોંગ્રેસ પ્રવક્તાએ ફરીયાદ કરી છે.
સંસદીય પ્રણાલીઓ મુજબ વિધાનસભાના અધ્યક્ષ કોઇ પક્ષના ના હોઈ શકે. અધ્યક્ષ બન્યા બાદ પક્ષ સાથે જોડાયેલા નથી હોતા. શંકર ચૌધરીએ પણ અધ્યક્ષ બન્યા બાદ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧ પ્રકરણ-૯, નો ભંગ કરેલ છે તે અંગે તાત્કાલીક પગલા ભરવા ભારતીય ચૂંટણી પંચને વીડીયો પુરાવા સાથે ફરીયાદ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે.
રાષ્ટ્રીય ચૂંટણી પંચના તા. ૧૭/૩/૨૦૨૪ના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરેલ જેથી તે દિવસથી આચારસંહિતા સમગ્ર દેશમાં લાગુ પડેલ છે. ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે તે દરમીયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી. અને તેવી જોગવાઈ ‘સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧’ ના પ્રકરણ-૯ના બીજા પેરામાં નીચે મુજબ જણાવેલ છે. ‘જે પળેથી તે અધ્યક્ષ બને છે તે પળેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી.