ચોટીલા : ચોટીલા પોલીસે રાજકોટ હાઈવે પર મોટી કાર્યવાહી કરી. પોલીસે વિના નંબરની છોટા હાથી ગાડીમાંથી 10.74 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો. ગાડીનો ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો.સુરેન્દ્રનગર જિલ્લામાં DIG ડૉ. ગીરીશ પંડ્યાની સૂચના મુજબ પ્રોહિબિશન અને જુગાર વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. લિંબડી ડિવિઝનના DySP વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના PI આઈ.બી. વલવીની ટીમે આ કાર્યવાહી કરી.

ASI આર.ડી. રાજૈયાને બાતમી મળી હતી કે રજિસ્ટ્રેશન નંબર વગરની છોટા હાથી ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો રાજકોટ તરફ જઈ રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આનંદપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. સફેદ કલરની છોટા હાથી ગાડી આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાલક અંધારામાં નાસી છૂટ્યો.ગાડીની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 1,536 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો.

જેની કિંમત 10,74,324 રૂપિયા છે. પોલીસે 2 લાખની કિંમતની ગાડી સહિત કુલ 12,74,324 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાડીનો રજિસ્ટ્રેશન નંબર GJ-32-T-6558 છે.ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં PI આઈ.બી. વલવી, ASI આર.ડી. રાજૈયા, પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ બારડ, સંજયભાઈ મેર અને મુકેશભાઈ શેખની ટીમ સામેલ હતી.


