બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીને મળેલ લેખીત અરજી મુજબ પાલનપુર ખાતે બાળ લગ્ન થઇ રહ્યા છે. જેના આધારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એમ. કે. જોષી, લીગલ કમ પ્રોબેશન ઓફીસર પી. એ. ઠાકોર તેમજ કાઉન્સેલર મનીષાબેન પટેલની સંયુક્ત કાર્યવાહીના અનુસંધાને પાલનપુર ખાતે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતાં.
બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એમ. કે. જોષી દ્વારા લગ્નનું આયોજન કરનાર વ્યક્તિઓને બાળ લગ્નના કાયદાની સમજ આપવામાં આવી હતી અને જાહેર જનતાને અપીલ કરી છે કે બાળ લગ્ન સામાજીક દુષણ અને સામાજીક સમસ્યાનુ મુળ છે, જેથી તમામને નમ્ર વિનંતી કે, બાળ લગ્ન થતાં અટકાવે અને આજુ-બાજુમાં બાળ લગ્ન થતા હોય તો, તાત્કાલીક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને કચેરીને જાણ કરવી. તેમજ લીગલ ઓફીસર પી. એ. ઠાકોર દ્વારા લગ્ન આયોજનમાં મદદગારી કરનાર રસોઇયા તેમજ મંડપ ડેકોરેશન કરનાર તેમજ લગ્ન વિધી કરાવનાર બ્રાહ્મણને તેમજ હાજર તમામ વ્યક્તિઓને બાળ લગ્નના કાયદાની સમજ આપી કાયદાકીય દંડ અને સજાની ગંભીરતા વિશે સમજાવાયું હતું.