-
મહેસાણા ટી.જે. હાઇસ્કૂલ પાસે ડ્રેનેજના કામમાં કેબલ કપાયા
-
400થી વધુ વીજગ્રાહકો હેરાન, મોડીરાત સુધી સમારકામ ચાલ્યું
ગરવી તાકાત મહેસાણા: મહેસાણા શહેરમાં કલેક્ટર બંગ્લોઝ સામેથી પરા તળાવ સુધી અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ અને વરસાદી પાણીની લાઇનની કામગીરી દરમિયાન સોમવારે વીજલાઇન, ટેલિફોનનો કેબલ કપાઇ ગયો હતો, જ્યારે ગેસની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. જેમાં ઘરેલુ ગેસલાઇન એકાદ કલાકમાં મરામત બાદ સપ્લાય રાબેતા મુજબ કાર્યરત થયો હતો.
જોકે, બપોરે 12 વાગ્યાના અરસામાં વીજ લાઇનના 4 પોઇન્ટ તૂટ્યા હોઇ અને આખી લાઇન ઉંડાણમાં શિફ્ટ કરવામાં આઝાદચોક અને પાંજરાપોળ વિસ્તારમાં રાત્રે 9 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેતાં 400થી વધુ રહેણાંક અને કોમર્શિયલ વીજગ્રાહકો ઘરમાં લાઇટો વિના તોબાહ પોકારી ગયા હતા. રાત્રે 9 વાગ્યે વીજ સપ્લાય ચાલુ કરવા ટીમ કાર્યરત હતી.નગરપાલિકા દ્વારા હૈદરીચોક રોડ ઉપર વરસાદી પાણી નિકાલ અને ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે. જેમાં અંડર ગ્રાઉન્ડ વીજ કેબલના 4 પોઇન્ટ તૂટી ગયા હતા.
ડ્રેનેજ લાઇન નીચે વીજલાઇન શિફ્ટિંગ કરવાની થતી હોઇ વીજ કંપનીની ટીમ દ્વારા તાબડતોબ મરામત અને શિફ્ટિંગ કામ હાથ ધરાયું હતું. જોકે, આ પહેલાં ઘરેલુ ગેસલાઇનનું અડધો કલાક કામ ચાલું હતું, તે પૂર્ણ થયા પછી વીજ લાઇનનું કામ શરૂ કરાયું હતું. જેમાં આઝાદચોક અને પાંજરાપોળ વિસ્તારના બે ડીપી વિસ્તારમાં વીજ સપ્લાય બંધ રહ્યો હતો. આઝાદચોક, મહોબતફળી સહિત વિસ્તારના 400 જેટલા ઘરોમાં રાત્રે 9 વાગ્યા સુધી લાઇટો બંધ રહી હતી. તંત્ર રાત્રે 9 વાગે પણ સમારકામમાં વ્યસ્ત હતું.


