વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર અને અમરેલીના ભાજપના પૂર્વ પ્રમુખ એવા ડો. ભરત કાનાબારને વડાપ્રધાનસ્ના નજીક હોવાનો શિરપાવ મળ્યો છે. ડો.ભરત કાનાબારની ભારત સરકારના જાહેર સાહસ એવા “હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિમિટેડ”માં ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અમરેલીમાં ભાજપના આખાબોલા અને સતત વિસ્તારના પ્રશ્નોને ઉઠાવનારા ડો.કાનાબાર સતત પ્રજાનાં કામ માટે એલર્ટ રહેતા હતા. એટલું જ નહીં, કેટલાક મુદ્દાઓ પર ભાજપના નેતાઓને પ્રજાની હાલાકી ટિ્વટર પર કહેવાનું સાહસ પણ તેઓ કોઇથી ડર્યા વિના કરી લે છે. ભાજપના અમરેલી જિલ્લાના ઉપપ્રમુખ રિતેષ સોનીએ ટ્વીટ કરીને ડો. ભરત કાનાબારને શુભેચ્છાઓ પાઠવી હતી.
વડાપ્રધાન રાજ્યના ભાજપના ખૂબ ઓછા અગ્રણી નેતાઓને ફોલો કરે છે, એમાં ડો. ભરત કાનાબારનું નામ છે અને કાનાબાર તેમની સરકાર વિરુદ્ધમાં ટવીટ કર્યા પછી બીજાની જેમ મોઢું છુપાવતા ન હતા, એટલે કે સાચું કહેવાની હિંમત ધરાવે છે અને વડાપ્રધાન મોદીના દોસ્ત હોવાનું ઇનામ તેમને મળ્યું છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાવનગર જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ડો ભરત કાનાબારની ગુજરાત સરકારના જાહેર સાહસમાં નહીં, કેન્દ્ર સરકારના હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિમિટેડમાં ડિરેકટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડો. ભરત કાનાબારે 25 ઓક્ટોબરે દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસ અને ખાલી પડેલી ન્યાયધીશોની જગ્યાઓને લઈ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એક ટ્વીટ કરી દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસના આંકડાઓ જાહેર કર્યા હતા, સાથે લખ્યું હતું કે જાે દેશમાં નવો કેસ ના નોંધાયો તોપણ જે પેન્ડિંગ કેસ છે એના નિકાલ માટે 360 વર્ષ લાગી જાય. ડો. કાનાબારે ટ્વીટ કરી વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ તથા કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીને ટેગ કર્યા હતા. ડો. કાનાબાર ભાજપના નેતા હોવા છતાં આ પહેલાં વિવિધ મુદ્દે ટ્વીટ કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે સવાલ ઉઠાવી ચૂક્યા છે.
2 ઓક્ટોબરે ડો. ભરત કાનાબારે થોડા દિવસ પહેલાં બિસ્માર રોડ રસ્તા મામલે ટ્વીટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે એક બે ચોમાસામાં જ રસ્તાના ટુકડા થઈ જાય તેવા નબળા રોડ બનાવતા લેભાગુ કોન્ટ્રેકટરો, કટકીબાજ અધિકારીઓ અને કેટલાક ભ્રષ્ટ લોકસેવકોની ટોળકી જ ખરા અર્થમાં ‘ટુકડે ટુકડે’ ગેંગ છે, જેમને કારણે લોકોના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે. આ ટ્વીટ ડો. કાનાબારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટેગ કર્યા હતા.ડો. ભરત કાનાબાર અમરેલી જિલ્લાના ભાજપના નેતા છે. તેઓ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે. ટિ્વટર પર તેમને ખુદ પ્રધાનમંત્રી મોદી પણ ફોલો કરી રહ્યા છે.