– ટીવી અને સોશિયલ મિડીયાના આધુનિક યુગમાં :
– આધુનિકતાના રંગે રંગાતા શિક્ષિત લોકોએ પણ ભારતની ભૂલાતી સંસ્કૃતિને જીવંત બનાવવા પ્રયાસો કરવા જોઈએ :
ગરવી તાકાત મહેસાણા : ભવાઇ એક પ્રચારનું માધ્યમ છે. વર્ષો પહેલા પ્રચારના માધ્યમ તરીકે ભવાઇ ભજવવામાં આવતી હતી. પરંતુ આધુનિક યુગમાં આ ભવાઇ ભૂલાવવા માંડી છે. પરંતુ બનાસકાંઠા જીલ્લામાં એક એવું પણ ગામ આવેલું છે કે જ્યાં આવનારી પેઢી પણ ભવાઈના મહત્વને સમજી શકે તે માટે આજે પણ ભવાઇ જીવંત છે.
ડીસા તાલુકામાં આવેલા આખોલ ગામમાં લગભગ અઢીસો વર્ષથી પ્રાચીન ભવાઇ ભજવવામાં આવે છે. અને આ ભવાઇ નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો પણ આવે છે. આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો ભવાઇને ભૂલી ચૂક્યા છે. પરંતુ ભવાઇ મનોરંજનની સાથે સાથે મીડિયાના માધ્યમ તરીકે પણ વર્ષોથી પ્રચલિત રહી ચૂક્યું છે. એક સમયે જ્યારે સંચારના સાધનો સીમિત હતા ત્યારે લોકો માટે સંચાર વ્યવસ્થાનું કામ ભવાઈના માધ્યમથી થતું હતું.
પરંતુ ટીવી અને ઇન્ટરનેટના યુગમાં આ ભવાઇ ભૂલાવવા માંડી છે અને આ પ્રાચીન ભવાઇ આવનારી પેઢીમાં પણ જીવંત રહે તે માટે આખોલ ગામમાં ચૈત્ર માસમાં ભવાઇ ભજવવામાં આવે છે. જેમાં અલગ અલગ પ્રકારના નાટકો રજૂ કરવામાં આવે છે અને સંવાદ અને વેશભૂષાની મદદથી લોકોને અન્ય સંસ્કૃતિથી અવગત કરવા ઉપરાંત અન્ય વિસ્તારનો ભૌગોલિક અને સાંસ્ક્તિક પરિચય આપવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ આધુનિકતાના રંગે રંગાઈ રહ્યું છે. અને તેની અસર હવે ભારત અને ભારતના ગામડાઓમાં પણ જોવા મળી રહી છે. ત્યારે આ બદલાવ વચ્ચે પણ આખોલ ગામમાં જે રીતે ભવાઇ ભજવાઈ રહી છે તે ખરેખર સરાહનિય કહેવાય. કારણ કે ભૂલાતી જતી સંસ્કૃતિને જો નાનકડા ગામના લોકો પણ ગંભીર સમજીને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે શિક્ષિત અને શહેરી લોકો પણ ભારતની ભૂલાતી જતી સંસ્કૃતિને જીવંત બનાવવા માટે આગળ આવવું જરૃરી છે. જેથી ભૂલાતી જતી ભવ્ય ભારતીય સંસ્કૃતિને એકવાર ફરી જીવંત કરી શકાય.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા