વડોદરાની સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર માટે આવેલા યુવાનને નવો ચહેરો આપવામાં તબીબી ટીમને સફળતા મળી છે. રીંછના હુમલામાં ઇજાગ્રસ્ત યુવાન 15 દિવસ સુધી સારવાર બાદ સાજો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે
છોટાઉદેપુર જિલ્લાના પાવીતેજપુરના આંબાખૂટ ગામમાં યુવાનનું રીંછે મોં ફાડી નાખતા પરિવારજનો લોહીલુહાણ હાલતમાં યુવાનને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબે જ્યારે યુવાનને જોયો ત્યારે સારવાર ક્યાંથી શરૂ કરવી તે મૂંઝવણ હતી. તેમ છતાં નિષ્ણાંત તબીબોની ટીમે સારવાર શરૂ કરી હતી. જેમાં 4 કલાક સુધી 8 તબીબોની ટીમે યુવાનની સર્જરી કરી હતી. સર્જરી દરમિયાન 300થી વધુ ટાંકા લેવામાં આવ્યાં હતા
પ્લાસ્ટિક વિભાગના સર્જન ડો. શૈલેશ સોનીએ જણાવ્યું કે સામાન્યતઃ આટલી ઇન્જરી હોય ત્યારે સર્જન માટે પણ પડકારરૂપ હોય છે. સવારે 9 વાગ્યાથી એક વાગ્યા સુધી આ સર્જરી ચાલી હતી. ખાનગી હોસ્પિટલમાં આવી સર્જરીનો ખર્ચ રૂ.4 લાખની આસપાસ આવી શકે છે
(ન્યુઝ એજન્સી)