બાવલુ પોલીસની મોટી સફળતા: ખેતરોના બોરમાંથી કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ૧૪ ગુનાનો ભેદ ઉકેલાયો

November 26, 2026

ચોરીનો માલ ખરીદનાર મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ; ૧૭૫ કિલો તાંબાના વાયર અને બે વાહનો મળી રૂ. ૨.૬૨ લાખનો મુદ્દામાલ કબજે

 

ગરવી તાકાત

કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને ખેતરો તેમજ બોર પરથી કેબલ વાયરની ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ સફળ કામગીરીને પગલે કડી અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૪ જેટલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ સમગ્ર મામલે કડી નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં ઝડપાયેલા આરોપીઓને માધ્યમો સમક્ષ રજૂ કરીને તેમની ગુનો કરવાની પદ્ધતિ અને ગુનાહિત ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

મહેસાણા જિલ્લામાં વણઉકેલાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ, બાવલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવા અને સર્વેલન્સ ટુકડીના જવાનો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે કણઝરી ગામના પાટિયાથી ચંદનપુરા ગામના પાટિયા વચ્ચે આવેલી નાની નહેર પર કેટલાક શખ્સો સ્કૂટર અને મોટરસાઇકલ પર ચોરીના કેબલ વાયરના ગૂંચળા વેચવા માટે જઈ રહ્યા છે. બાતમી મળતા જ પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી હતી અને કલોલ તાલુકાના ઉનાલી ગામના બે શખ્સોને રૂ. ૧૦,૫૦૦ની કિંમતના ૧૫ કિલો બળેલા-અર્ધબળેલા તાંબાના કેબલ વાયર સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.

કડી નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી કબૂલાતો સામે આવી હતી. આરોપીઓએ બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારના મેડા આદરજ, વડાવી, ઝાલોડા, જેસંગપુરા અને નદાણ ગામની સીમમાંથી અંદાજે ૩૧૦ મીટર કેબલ વાયરની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત, આ ટોળકીએ બોપલ, રાંચરડા, રણછોડપુરા, શીલજ-નાદોલીયા રોડ, ઉનાલી નહેર, ડાભલા અને મણીપુર (ગરોડીયા) વિસ્તારમાં પણ ખેતરો અને બોર પરથી વાયર ચોરીના અન્ય ૭ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે આ ટોળકી ચોરી કરેલા કેબલ વાયર રાંચરડા ખાતે ભંગારનો ડેલો ચલાવતી મૂળ રાજસ્થાનના ભીલવાડાની મહિલા રાધાબેન ગુર્જરને વેચી દેતી હતી. પોલીસે ભંગારના ડેલા પર દરોડો પાડીને રાધાબેન પાસેથી વધુ ૧૬૦ કિલો તાંબાના કેબલ વાયરના ગૂંચળા, જેની કિંમત રૂ. ૧,૧૨,૦૦૦ થાય છે, તે કબજે કર્યા હતા.

આ સમગ્ર પ્રકરણમાં પોલીસે કલોલ તાલુકાના ઉનાલી ગામના ૨૧ વર્ષીય વિપુલજી નાગજીજી ઠાકોર, ૧૯ વર્ષીય અનિલજી લાલાજી ઠાકોર, ૨૦ વર્ષીય સુનિલજી લાલાજી ઠાકોર તેમજ ચોરીનો માલ ખરીદનાર ૪૫ વર્ષીય રાધાબેન લાખાભાઈ ગુર્જરની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરની પણ સંડોવણી ખુલવા પામી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૧૭૫ કિલો તાંબાના કેબલ વાયરના ગૂંચળા (કિંમત રૂ. ૧,૨૨,૫૦૦), ગુનામાં વપરાયેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ (કિંમત રૂ. ૭૦,૦૦૦) અને હોન્ડા એક્ટિવા સ્કૂટર (કિંમત રૂ. ૭૦,૦૦૦) મળીને કુલ રૂ. ૨,૬૨,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સફળ કામગીરીમાં બાવલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એસ. રાવળ તથા સર્વેલન્સ ટુકડીના જવાનો જોડાયા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0