— પતિ અને મિત્રોએે બ્લેકમેલીંગ કરી હતી :
— પૈસા ન આપે તો બદનામ કરવાની ધમકી આપનાર પતિ સહિત ચાર વિરુદ્ધ ફરીયાદ :
ગરવી તાકાત મહેસાણા : વિસનગર કાંસામા પતિ અને તેના મિત્રો મળીને શિક્ષિકા પત્નીને ત્રાસ આપતા હતા. પતિની દોરવણીથી શિક્ષિકાનુ બ્લેકમેલીંગ કરવામા આવતુ હતુ. અને રૃા.૧૦ લાખની માંગણી કરાઈ હતી. ત્યારે કંટાળેલી શિક્ષિકાએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસે પતિ સહીત ચાર વિરૃધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
વિસનગર કાંસા ઉમિયા માતાની મંદિર પાસે ઉમિયાનગર સોસાયટીમાં રહેતા હેતલબેન પટેલના લગ્ન ૧૧ વર્ષ અગાઉ કાંસાના દિનેશકુમાર રસીકલાલ ચીમનલાલ પટેલ સાથે થયા હતા. હેતલબેન પટેલ દાંતા તાલુકાના બારવાસ પ્રાથમિક શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.
લગ્ન બાદ શિક્ષિકાને તુ ગમતી નથી, તને ધરકામ આવડતુ નથી. તેમ કહી પતિ દ્વારા મહેણા ટોણા મારી વારંવાર પૈસાની માગણી કરવામા આવી હતી. શિક્ષિકાએ લોન લઈને પતિને રૃા.૬ લાખ આપ્યા હતા જેની ગેરંટીનો ચેક પતિના મિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા પરેશભાઈ અરવિંદકુમાર પટેલને આપ્યો હતો.
પતિ હિતેશકુમાર પટેલ શિક્ષિકા પત્નિની સાથે નહી પરંતુ મિત્રના ઘરે રહેતો હતો.પતિ, તેનો શિક્ષક મિત્ર, શિક્ષકની પત્ની તથા અન્ય એક મિત્ર એમ ચારેય જણા શિક્ષિકા પાસેથી પૈસા ખંખેરવા પાછળ પડી ગયા હતા. અને બ્લેકમેલીંગ શરૃ કર્યુ હતુ.
રૃા. ૧૦ લાખ નહી આપે તો ઘર સંસાર બગાડી નાખીશુ તેમજ ખોટા આક્ષેપ કરી બદનામ કરી નાખીશુ તેવી ધમકીઓ આપતા હતા. ત્યારે બ્લેકમેલીંગથી કંટાળેલી શિક્ષિકાએ ઉધઈની દવા લાવી ઘરમા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષિકાના સસરા આવી હાથમાથી દવાની બોટલ લઈ લીધી હતી અને સારવાર માટે દાખલ કરવામા આવી હતી.
શિક્ષિકાએ પતિ અને તેના મિત્રો વિરૃધ્ધ ત્રાસ આપતી સ્યુસાઈડ નોટ પણ લખી છે. શિક્ષિકા ભાનમા આવતા પોલીસે નિવેદન લઈ પતિ હિતેશકુમાર રસીકલાલ પટેલ, શિક્ષક પરેશભાઈ અરવિંદભાઈ પટેલ, શિક્ષકની પત્ની અંજનાબેન પરેશભાઈ પટેલ બંન્ને રહે, સુરક્ષા સોસાયટી વિસનગર તથા અમીત અમૃતભાઈ પટેલ વિરૃધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય — મહેસાણા