– વિજા૫ુરમાં ફાઈનાન્સ કંપનીના
– યુવાને પીછો કરતાં આરોપી પર્સ ફેંકી નવ દો ગ્યારહ થયો, એકની ધરપકડ: હથોડી કબજે લઈ બે સામે ગુનો નોંધાયો
ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લામાં ચોરી, લૂંટ, ઠગાઈ, હત્યા, દુષ્કર્મ, મારામારી સહિતની ગુનાખોરીએ માથું ઊંચક્યું છે. એકતરફ ગુનેગારો ગુનાને અંજામ આપીને ફરાર થતાં રહ્યાં છે અને પોલીસ સબ સલામતની આલબેલ પોકારવા સાથે માત્રને માત્ર તાબોટા પાડી રહી હોવાની ચર્ચા લોકમુખે ચર્ચાતી રહી છે. વિજાપુર શહેરમાં આવેલી એક ફાઈનાન્સ કંપનીનો કર્મચારીને માથામાં હથોડી ફટકારી ઈજા પહોંચાડી દોઢ લાખની રોકડ સાથેના પર્સની દિલધડક લૂંટનો પ્રયાસ કરવાના ગુનામાં એક શખસની ધરપકડ પોલીસે કરી છે. જ્યારે તેનો બીજો સાગરીત પલાયન થઈ ગયો હતો. જો કે, લૂંટની કોશિશમાં આરોપીએ પર્સ ફેંકી દીધું હતુ. પોલીસ બે શખસ વિરૃધ્ધ ગુનો દાખલ કરી ફરાર શખ્સને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી.
વિજાપુર શહેરના મણીપુરા, ઈશીવાડો વિસ્તારમાં રહેતાં રોહિતભાઈ વિનુભાઈ પટેલ (ઉવ.૩૭) એ એવી ફરિયાદ વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી કે, ફરિયાદી સ્થાનિક મણીરત્ન કોમ્પ્લેક્સમાં આવેલ મે.લક્ષ્મી ફાઈનાન્સ નામની પેઢીમાં નોકરી કરે છે. ગત તા.પ/ર ના રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં નિત્યક્રમ મુજબ ઓફિસ ખોલીને રોહિતભાઈ પટેલ અંદર જતાં હતા, ત્યારે તેમની પાસેના રોકડ રૃ.૧.૫૦લાખની રકમ ભરેલાં પર્સને પાછળ રહેલાં આરોપી દીપક લાલાભાઈ પરમાર (રહે.હાલ કુબેરનગર, અમદાવાદ મૂળ કલોલ, તા.કલોલ, જિ.ગાંધીનગર)એ પર્સ ખેંચી માથાના ભાગે હથોડી ફટકારી ફરિયાદી રોહિતભાઈ પટેલને ઈજા પહોંચાડી રોકડ દોઢ લાખની રકમ ભરેલાં પર્સની લૂંટ-આંચકીને નાસવા જતાં ફરિયાદીએ બુમાબુમ કરી મુકતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતા અને પીછો કરતાં ઊંદર-બિલાડીની રમતની જેમ લોકોએ દોઢ લાખની રોકડ ભરેલાં પર્સ સાથે સલાટ ધવલ વિજયકુમાર (રહે.સલાટવાસ, ઝવેરી રોડ,વિજાપુર)ને ઝડપી લીધો હતો.જ્યારેે તેની સાથેનો શખસ દીપક લાલાભાઈ પરમાર રફુચક્કર થઈ ગયો હતો. પોલીસે આરોપીના કબજામાંથી રોકડ ભરેલ પર્સ તથા સ્થળ પરથી હથોડી સહિતની મતા કબજે લઈ બન્ને આરોપી સલાટ ધવલ વિજયકુમાર તથા દીપક લાલાભાઈ પરમાર વિરૃધ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
ફાઈનાન્સ કંપનીની ઓફિસ કે બહાર સીસીટીવી કેમેરા નથી:
વિજાપુરની મે.લક્ષ્મી ફાઈનાન્સ કંપનીના કર્મચારી રોહિત પટેલને માથામાં હથોડી ફટકારી લૂંટની કોશિશની ઘટના ઘટી હતી. જે અંગે ફાઈનાન્સ કંપનીના કર્મચારી રોહિત વિનુભાઈ પટેલે જણાવ્યા મુજબ તેમની ફાઈનાન્સની ઓફિસમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવાયા નથી. નજીકમાં સીસીટીવી કેમેરા ફુુટેજ જોવા મળ્યાં નહોતા.