પ્રદેશ પ્રમુખ- કેન્દ્રીય નિરીક્ષકો સાથે રાજયપાલને મળ્યા: સોમવારે 2 વાગ્યે શપથવિધિ
ગરવી તાકાત મહેસાણા – ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે સાતમી વખત સરકાર રચવા જઈ રહેલા ભારતીય જનતા પક્ષના વિધાનસભાના નવા નેતા તરીકે વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલને પુન: વરણી સાથે જ તેઓએ બપોરે રાજયપાલ શ્રી દેવવ્રત આચાર્ય સમક્ષ સરકાર રચવા દાવો કર્યો છે અને સરકારની શપથવિધિ સોમવારે બપોરે 2 વાગ્યે ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. 
વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકોમાં જીત સાથે જ જબરા આત્મવિશ્ર્વાસ સાથે નવી સરકારની રચનાનો ધમધમાટ ગાંધીનગરમાં થયો છે. આજે ‘કમલમ’ ખાતે પક્ષના નવા ચુંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં કેન્દ્રીય નિરીક્ષક તરીકે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંઘ, કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પુર્વ મુખ્યમંત્રી શ્રી બી.એસ.યેદીયુરપ્પા હાજર રહ્યા હતા.
શ્રી રાજનાથ સિંઘે રાજયમાં પ્રચંડ વિજયનો યશ ગુજરાતની જનતા અને કાર્યકર્તાઓને આપતા બાદમાં સર્વાનુમતે વિધાનસભાના પક્ષના નેતા અને ભાવી મુખ્યમંત્રી તરીકે વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી અને તેમને વધાવી લીધા હતા. બાદમાં બપોરે 2 વાગ્યે પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ તથા કેન્દ્રના નિરીક્ષકો અને રખેવાળ સરકારને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ રાજભવન ખાતે હંકારી ગયા હતા અને સરકાર રચવા દાવો કર્યો હતો અને રાજયપાલે તે સ્વીકારતા સોમવારે બપોરે 2 વાગ્યે શપથવિધિ યોજાશે. આજે કમલમ વધુ કેસરીયુ બની ગયું હતું. ભાજપના નવા ચુંટાયેલા તથા ફરી ગૃહમાં પહોચનાર ધારાસભ્યોનું કેસરીયા સ્વાગત કરાયું હતું અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલના આગમન સાથે જ ભારત માતા કી જયના નારા ગુંજયા હતા.


