ઊંઝાના વિશ્વવિખ્યાત માર્કેટયાર્ડ પર જીરાની આવક થયેલા ઘટાડાથી મંડરાતો ખતરો
ગત વર્ષે 24થી 25 લાખ જીરાની બોરીઓની આવક સામે આ વર્ષે માત્ર 5 લાખ બોરીની આવક
ગરવી તાકાત, ઊંઝા તા. 20- ઊંઝાના માર્કેટયાર્ડને જીરા માટે એશિયાનું પ્રતિષ્ઠ યાર્ડ માનવામાં આવે છે. વિશ્વભરમાં ઊંઝાના યાર્ડમાંથી જીરું પહોંચાડવામાં આવે છે પરંતુ આ વર્ષે ઊંઝાના માર્કેટયાર્ડમાં જીરાની બોરીઓની આવક બિલકુલ ઓછી માત્રામાં નોંધાતાં ઊંઝાના માર્કેટયાર્ડ પર ખતરો તોળાઇ રહ્યો છે. ગત વર્ષે ઊંઝા યાર્ડમાં 25 લાખ જીરાની બોરીની આવક નોંધાવા પામી હતી જેની સામે આ વર્ષે માત્રને માત્ર 5 લાખ બોરીની આવક નોંધાતાં ઊંઝાના માર્કેટયાર્ડ પર સંકટોના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે.

ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલે મિડિયાને જણાવ્યું કે, હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓ માની રહ્યા છે કે ઊંઝા આજુબાજુના સહિત ગુજરાતના અનેક માર્કેટ યાર્ડ હાલની સ્થિતિમાં વધુ સુવિધાવાળા અને મજબૂત બન્યા છે. જેથી જે તે માર્કેટ યાર્ડ આજુબાજુના ખેડૂતો ઊંઝામાં જીરાની આવક વેચવા માટે આવતાં હતા તે ખેડૂતો પોતાના નજીકના માર્કેટ યાર્ડમાં પહોચી રહ્યાં છે. તેમજ હાલમાં જે મોટી કંપનીઓ હોય છે, તે મોટી કંપનીઓ ડાયરેક્ટ જે તે ખેડૂત પાસેથી માલ ખરીદી રહી છે. જેના કારણે માર્કેટ યાર્ડમાં ખૂબ જ ઓછા પ્રમાણે માલ આવી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે તો બીજી તરફ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આ વખતની સીઝનમાં સમગ્ર ગુજરાત સહિત દેશમાં થયેલા કમોસમી વરસાદના કારણે જીરાના પાકને મોટી માત્રામાં નુકશાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે જેને કારણે આ વખતે જીરાની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.
એશિયામાં નામના ધરાવતી અને સ્પાઈસિસ સિટી તરીકે જાણીતા ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં સીઝન ચાલી રહી છે. પરંતુ આ વર્ષે જે પ્રમાણે માલ આવવો જોઈએ, તે પ્રમાણે માલ આવી રહ્યો નથી. ગત વર્ષે દરમ્યાન ઊંઝા માર્કેટ યાર્ડમાં 1 વર્ષ માં જીરાની 24 થી 25 લાખ બોરીની આવકો નોંધાઈ હતી. જ્યારે આ વર્ષે ફફત 2 મહિનામાં ફ્કત 5 લાખ બોરીની આવક નોંધાઇ છે, જ્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં આ મહિનાઓ સીઝનનાં મહિનાઓ માનવામાં આવે છે.


