આ વર્ષે ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકની જેમ ઉનાળું પાકના વાવેતરમાં પણ આરંભથી જ ઝડપ જોવા મળી પણ બાદમાં માર્ચ, એપ્રિલ અને મે માસના આરંભે પણ માવઠાનો માહોલ રહેતા ભાવનગરમાં ઉનાળું વાવેતર ગત વર્ષની તુલનામાં ઘટ્યુ઼ છે. ગત વર્ષે ઉનાળુ વાવેતર વધીને 69,600 હેકટર થઇ ગયું છે. તે આ વર્ષે 16,100 હેકટર ઘટીને 53,500 હેકટર થઇ ગયું છે. જો કે ગુજરાત રાજ્યમાં ડુંગળીનું 3 વર્ષનુ઼ સરેરાશ વાવેતર 8604 હેકટર નોંધાયું છે તેની સામે રાજ્યમાં આ વર્ષે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીનુ઼ વાવેતર 11,600 હેકટર થતા સરેરાશની તુલનામાં 134 ટકા વાવેતર થયું છે.

આ કુલ વાવેતરમાં ભાવનગર જિલ્લામાં વાવેતરનો હિસ્સો 51.72 ટકા છે.ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલમાં રોજની લાલ ડુંગળીની 8923 અને સફેદ ડુંગળીની 30166 આવક શરૂ થઈ ગઈ છે. પરંતુ લાલ ડુંગળી ના ભાવ 50 થી લઈને 252ની વચ્ચે જ રહેવા પામ્યા છે.
ગુજરાત રાજયમાં ઉનાળુ ડુંગળીનું કુલ વાવેતર 11,600 હેકટરમાં થયું છે અને તે પૈકી ભાવનગર જિલ્લામાં વાવેતર 6,000 હેકટર થયું હોય રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર થયું છે તે પૈકી એકલા ભાવનગરમાં જ 51.72 ટકા વાવેતર થયું છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ગરમીનો આરંભ મોડો થયો છે અને માર્ચ અને એપ્રિલ માસમાં તો લગભગ માવઠાનો માહોલ રહ્યો તેમજ છથી સાત વખત તો ગોહિલવાડમાં કમોસમી વરસાદ પણ વરસી ગયો ત્યારે આ વર્ષે જિલ્લામાં ઉનાળું વાવેતર ઘટીને 53,500 હેકટર થઇ ગયું છે.
મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વી. પી. પાચાણીએ જણાવ્યું હતું કે, બે થી ત્રણ કારણો છે, જેને પગલે ભાવ ગત વર્ષ કરતા અડધા છે. રાજસ્થાન,એમપી અને મહારાષ્ટ્રમાં હાલમાં ડુંગળીનો પાક થયો છે. જેથી રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય માંગ નથી આ સાથે ગુજરાતમાં માવઠાની પણ અસર વર્તાઈ રહી છે જેના કારણે ડુંગળીઓ બગડવા લાગી છે. જેના કારણે ઓછા ભાવ મળી રહ્યા છે અને આ સાથે પણ અન્ય જિલ્લાઓમાં બોટાદ,અમરેલી જેવા પંથકમાં ડુંગળીનું વધુ ઉત્પાદન જવાબદાર છે.


