ગરવી તાકાત મહેસાણા : ખેરાલુના સોની વેપારીએ ગ્રાહકોના દાગીના બનાવવા માટે આપેલુ રૂ.40 લાખનું સોનું વિસનગરના કારીગરને દાગીના ઘડવા માટે આપ્યું હતું જે સોનું લઇ કારીગર દુકાન અને ઘર બંધ કરી છૂમંતર થઇ ગયો.આ મામલે વેપારીએ મૂળ પ.બંગાળના કારીગર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી. ખેરાલુમાં શ્રીજી જ્વેલર્સ નામે દુકાન 5 ધરાવતા નાથુલાલ કુટરમલજી સોની ગ્રાહકોના જૂના સોનાના દાગીના લઇ ઓગાળીને લગડી બનાવ્યા બાદ.

તે સોનું મૂળ પશ્ચિમ બંગાળના પાન્ડુઆના અને હાલ વિસનગરના કાજીવાડામાં રહેતા મહીનુદીન ઉર્ફે રાજુ શેખને ચેન, મગમાળા, ગળાનો હાર, પાટલા, મંગલસૂત્ર, ચેન, ડોકિયું સહિતના દાગીના બનાવવા માટે આપતા. છેલ્લા 13 વર્ષથી આ દાગીનાં ઘડવાનું કામ કરતો વિસનગરનો કારીગર ખેરાલુ આવીને સોનું લઇ જતો અને દાગીના બનાવી સમયસર આપી જઇ વિશ્વાસ સંપાદન કર્યો દરમિયાન, ગત તા.2 એપ્રિલથી 26 મે દરમિયાન પાંચ વખત મળીને કુલ 570 ગ્રામ સોનું લગડી સ્વરૂપે ખેરાલુ તેમની દુકાનેથી આ કારીગર લઇ ગયો.

જે પૈકી 163.130 ગ્રામ સોનું તેણે જમા કરાવ્યું બાકીનું રૂ.40 લાખનું શુદ્ધ સોનું 409.080 ગ્રામ લેવાનું બાકી હોઇ નાથુલાલે કારીગર મહીનુદીન ઉર્ફે રાજુને ફોન કરતાં બંધ આવતો તેથી તેઓ વિસનગર તેના ઘરે તપાસ કરતાં બંધ હતું. જ્યારે ચોકસી બજાર સામે લક્ષ્મી માર્કેટમાં આવેલી તેની દુકાન પણ બંધ હતી. આજુબાજુ પૂછપરછ કરતાં રાજુભાઇ જોવા મળ્યા નથી તેવું તેમણે જણાવ્યું હતું આથી વેપારી નાથુલાલ સોનીએ પ.બંગાળના મહીનુદીન ઉર્ફે રાજુ અરબ નિયાલા શેખ વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


