— હળવી કલમોના કારણે આગોતરા જામીન મળ્યા
— હત્યા-છેતરપિંડીની જગ્યાએ માત્ર ખોટાં પુરાવા ઉભા કરવાની કલમો ઉમેરી પોલીસે ગેરરીતિ કરીઃ આક્ષેપ
ગરવી તાકાત કલોલ : કલોલની ગાર્ડન સિટી સોસાયટીમાં ઓ.એન.જી.સી.ની પાઇપલાન પરના મકાનોમાં વિસ્ફોટના કારણે ત્રણ લોકોના મોત થયા હતા. આ કેસમાં કલોલની સેશન્સ કોર્ટમાં અરજી દ્વારા આક્ષેપ કરાયો છે કે સમગ્ર કેસમાં ખૂબ મોડે મોડે ફરિયાદ નોંધાઇ છે અને બિલ્ડરોના નામજોગ ફરિયાદ નોંધાઇ નથી. ઉપરાંત હત્યા અને છેતરપિંડીની કલમોની જગ્યાએ હળવી કલમો ઉમેરાતા બિલ્ડરો આગોતરા જામીન મેળવવામાં સફળ રહ્યા છે. જેથી આ કેસમાં ગંભીર કલમોનો ઉમેરો થવો જોઇએ.
અરજીમાં આક્ષેપ કરાયો છે કે આ બનાવ અંગે શરૃઆમતમાં માત્ર અકસ્માત મોતનો ગુનો જ નોંધવામાં આવ્યો હતો અને હાઇકોર્ટમાં પિટિશન થયા બાદ ઘટનાના આશરે ચાર-પાંચ મહિના બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. જો કે આ કેસમાં આરોપી બિલ્ડરોને છાવરવા માટે હત્યા, સઅપરાધ મનુષ્યવધ તેમજ છેતરપિંડીની કલમોની જગ્યાએ ખોટાં પુરાવા ઉભા કરવાની કલમો ઉમેરાઇ છે અને બિલ્ડરોના નામજોગ ફરિયાદ નોંધાઇ નથી. જેનાં કારણે બિલ્ડરો આગોતરા જમીન મેળવવામાં સફળ રહ્યા છે. જેથી કોર્ટે બિલ્ડરો સામે ગંભીર કલમો ઉમેરી ફરિયાદ નોંધવાનો આદેશ આપવો જોઇએ.
ડિસેમ્બર-૨૦૨૦માં કલોલની ગાર્ડન સિટી સોસાયટીમાં બે મકાનોમાં પ્રચંત વિસ્ફોટ થતાં તેમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. આ અંગે ગ્રામ પંચાયતે તાલુકા વિકાસ અધિકારીઓને સોંપેલા રિપોર્ટમાં પણ બહાર આવ્યું છે કે જ્યાં વિસ્ફોટ થયો હતો તે મકાનો નીચે ઓ.એન.જી.સી.ની પાઇપલાઇન છે.