♦ રૂા.8 કરોડથી વધુની સંપતિ ધરાવતા 7000 ભારતીયો 2022માં વિદેશમાં વસ્યા
♦ દર વર્ષે 1.80 લાખ ભારતીયો નાગરિકતા છોડે છે: પ્રવાસી ભારતીય દિને રસપ્રદ અહેવાલ
♦ યુનિવર્સીટીમાંથી રેન્કીંગ મેળવનાર 50% થી વધુ વિદેશમાં અભ્યાસ માટે ગયા 25% કાયમ વસી ગયા
નવી દિલ્હી: તા. 09 – આજે મધ્યપ્રદેશમાં પ્રવાસી ભારતીય દિન મનાવાઈ રહ્યો છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ તેમાં સંબોધન કરશે તે સમયે એક કડવી વાસ્તવિકતા છે. દરરોજ 500 ભારતીયો દેશની નાગરિકતા છોડીને અન્ય દેશોમાં કાયમી વસવાટ માટે તૈયારી કરે છે. દર વર્ષે સરેરાશ 1.80 લાખ ભારતીયો હવે ‘વિદેશી’ બની રહ્યા છે જેમાં 7000થી વધુ એવા વ્યક્તિઓ છે જેની સંપતિ 8 કરોડ કે તેથી વધુ છે. અન્ય તમામ વધુ સારા ભવિષ્ય અને વધુ ઉંચા પગાર તેમજ બાળકોના અભ્યાસ વિ. માટે દેશ છોડે છે. 
ખાસ કરીને દેશમાં હાઈ એન્ડ ટેકનોકાસ્ટ માટે યોગ્ય તક, શોધ, સંશોધન માટે યોગ્ય વાતાવરણ તથા ઈન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ છે. ઉપરાંત એક વર્ગને હવે ભારતમાં તેના કુટુંબ માટે અસલામતીનું વાતાવરણ લાગે છે તો ટેક્ષ સંબંધી ભારત પણ વધુ છે. આ અંગે એક નિષ્ણાંત સલાહકારના જણાવ્યા મુજબ વિદેશમાં વસવાટમાં સૌથી વધુ ચિંતા બાળકોના ભવિષ્યની છે. કેનેડા, બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ માટે લોકો વધુ પુછપરછ કરે છે. જો કે હવે અમેરિકાનું આકર્ષણ ઓછું થયું છે જેમાં ખાસ કરીને ગ્રીન વિસા માટે રોકાણની રકમ પાંચ લાખ ડોલરથી વધારીને 9 લાખ ડોલર કરવામાં આવી છે.
લોકો માઈગ્રેશન માટે ગ્લોબલ ડેટાને પણ અનુસરે છે. કુટુંબના એક વ્યક્તિ જે દેશમાં વસે ત્યાં પરિવારના અન્ય સભ્યોને વસાવવાનું શરૂ કરે છે અને પછી તેઓ ભારતીય નાગરિકતા છોડે છે. ભારતમાં બેવડી નાગરિકતા માન્ય નથી. ભારતનો પાસપોર્ટ વિઝાના 199 દેશોમાં હાલ 71માં સ્થાને છે. મતલબ કે આ 71 દેશમાં તેમાં વિસા વગર પ્રવાસ કરી શકે છે અથવા તો વિસા ઓન એરાઈવલની જોગવાઈ છે.
બ્રિટન, અમેરિકાના પાસપોર્ટ પર તમો 173 દેશોમાં પ્રવાસ કરી શકો છો. કેનેડા-ઓસ્ટ્રેલિયાના પાસપોર્ટમાં 172 દેશોમાં પ્રવાસ કરી શકો છો. વિદેશમાં જીવન ધોરણ પણ લોકોને આકર્ષે છે. વિદેશમાં કમાણી વધુ છે. ભારત છોડવા પાછળ પૈસા સૌથી મોટું કારણ છે. ઉપરાંત અભ્યાસ-નોકરી-બાળકોની કેરીયર અને નિવૃતિમાં વધુ બહેતર વાતાવરણ આ તમામના કારણે પણ ભારતીયો વિદેશ જવાનું પસંદ કરે છે.
ભારતમાં પ્રતિ કલાક કામ કરવાના રૂા.170 મળે છે. બ્રિટનમાં રૂા.945, અમેરિકામાં રૂા.596 જેવું વેતન પ્રતિકલાક મળે છે. અમીરો વધુ વેરાદર-સરકારી દખલગીરી અને તેવા કારણોસર દેશ છોડે છે. સિંગાપોર, હોંગકોંગ, બ્રિટન, દક્ષિણ કોરિયાની ટેક્ષ સીસ્ટમ અત્યંત સરળ છે. એક અન્ય રીપોર્ટ મુજબ 1996થી 2015 સુધીમાં દેશમાં બોર્ડ પરીક્ષામાં રેન્કીંગમાંથી 50% નોકરી-ઉચ્ચ ભણતર માટે વિદેશ ગયા હતા જેમાં 25% ત્યાંજ વસી ગયા, 2022માં 4 લાખ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ ગયા અને તેમનો ખર્ચ રૂા.27 મીલીયન ડોલર થાય છે જે ખર્ચ કર્યા બાદ વિદેશમાં અભ્યાસ કરનાર ઉંચી કમાણીની અપેક્ષા રાખી છે જે ભારતમાં બહું સંભવ નથી તેથી વિદેશ જ પસંદ કરે છે.


