અલોડા ગામના પ્રવેશદ્વાર પર લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનરો લાગ્યાં
નિવૃત આર્મીમેનની જમીનનો કોઇ નિર્ણય ન આવતાં આખરે ગ્રામજનો લડી લેવાના મૂડમાં
ખોડીયાર ગ્રુપના કાંતિલાલ પટેલે આ જમીન બારોબાર નામે કરાવી લીધી હોવાનો અલોડાના સરપંચ સહિત ગ્રામજનોનો સૂર
ગરવી તાકાત, મહેસાણા તા. 23 – મહેસાણા તાલુકાના અલોડા ગામે નિવૃત આર્મીમેનને ફાળવાયેલી જમીન બિલ્ડર કાંતિલાલને વેચી દેવાના મામલે ગ્રામજનો લાંબા સમયથી આ બાબતનો વિરોધ કરી લડત ચલાવી રહ્યા છે. આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં નિવૃત આર્મીમેનની જમીનનો કોઇ નિવેડો ન આવતાં આખરે અલોડા ગામના સરપંચ ભરત દેસાઇ સહિત ગ્રામજનો દ્વારા કોઇ નિર્ણય નહી લેવાય તો આગામી ટૂંક સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીનો સમગ્ર ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યોં છે.
અને આ બાબતના બેનરો પણ અલોડા ગામે ઠેર ઠેર લગાવવામાં આવ્યાં છે. નિવૃત આર્મીમેનની જમીન વેચી દેવાના મામલે ખોડીયાર ગ્રુપના કાંતિલાલ વિરુદ્ધ સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આ મામલે રેલી સ્વરુપે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે મામલતદારને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરતા મામલો બિચકાતા પોલીસ દ્વારા અલોડાના સરપંચ સહિતની અટકાયત કરવામાં આવી હતી.
ત્યારે આ મુદ્દાનો કોઇ યોગ્ય નિકાલ ન આવતાં હજુ આ મુદ્દો સળગતો જ રહેવા પામ્યો છે જેને પગલે જમીન ખરીદનાર બિલ્ડરના નામ જોગ અલોડા ગામના પ્રવેશદ્વાર પર બેનરો લગાવવામાં આવ્યાં છે. જ્યારે અલોડા ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાના નિર્ણય બાબતે ચૂંટણી અધિકારીને પણ લેખિત પત્ર આપી ચૂંટણી બહિષ્કાર કરવાની જાણ કરવામાં આવી છે.