કેમિકલયુક્ત પાણીથી ખેતીમાં વ્યાપક નુકસાનની સેવાઈ રહી છે ભીતિ
કોંગ્રેસ અગ્રણી ઈરફાન શાહએ મુખ્યમંત્રીને કરી રજુઆત : ઉગ્ર આંદોલનની આપી ચીમકી
વંથલી શહેર કોંગ્રેસ નાં અગ્રણી ઈરફાન શાહ સોહરવર્દી એ રાજ્ય નાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર પાઠવી સોરઠ અને ઘેડ પંથક ને સ્પર્સતા કેમિકલયુક્ત પાણી મુદ્દે આક્રમક રજુઆત કરતા જણાવ્યું છે કે જૂનાગઢ જિલ્લાની મુખ્ય ગણાતી નદીઓમાં ઓજત અને ઉબેણનો સમાવેશ થાય છે. ખેડૂતોની જીવાદોરી સમાન આ બંને નદીઓ હાલ ખૂબ પ્રદૂષિત થઈ ચૂકી છે. જેતપુર સાડી ઉદ્યોગના કારખાનાઓ માંથી નીકળતું કેમિકલયુક્ત પાણી સીધુ જ ઉબેણ નદીમાં ઠાલવવામા આવે છે. ત્યારે ઉબેણ નદીમાંથી અનેક ખેતરોમાં કેમિકલયુક્ત પાણીથી ખેતીના પાકને અને જમીનને વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે.
કેમિકલયુક્ત પાણી થી ખેડૂતોમાં ભભૂકી ઉઠ્યો રોષ
જૂનાગઢના ધંધુસર જેવા અનેક ગામોએ લડત ચલાવવા છતાં આ કારખાનેદારો પર જાણે રાજ્ય સરકારના ચાર હાથ હોય તેમ કોઈ ફિકર વગર નદીઓ પ્રદૂષિત કરી રહ્યા છે. ઉબેણ નદી નું પાણી લાલ થઇ ગયું છે ત્યારે વંથલી અને સાંતલપુર ની વચ્ચે ઓજત અને ઉબેણ નદીનો સંગમ થાય છે ત્યાં ઉબેણ નદીનું પ્રદૂષિત પાણી ઓજત નદીમાં ભળી રહ્યું છે. આ પાણી ઓજત નદીમાં ભળવાથી ઓજત નદી કાંઠાના અનેક ગામો અને વંથલી પંથકના આંબાના બગીચાઓ ને પ્રદૂષિત પાણીના કારણે ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે તેમજ આ વિસ્તારનાં લોકોનું આરોગ્ય જોખમાય રહ્યું છે,ઘેર ઘેર ચામડીના રોગ ફાટી નીકળ્યા છે,ઘેડ અને સોરઠ પંથકના અનેક ગામોમાં ઓજત નદીનું પાણી જીવાદોરી સમાન હોય ત્યારે આ પાણીને પ્રદુષિત કરી અનેક ખેડૂતોને રોજી-રોટી છીનવવાનું કારસો ઘડાયો છે, ત્યારે રાજ્ય સરકાર આ કારખાનેદારો સામે લાલ આંખ કરશે કે મામા-માસીના જાણી તેને છાવરવાનો પ્રયાસ કરશે આવા અનેક સવાલો ખેડૂતો માંથી ઉઠી રહ્યા છે. ત્યારે વંથલી શહેર કોંગ્રેસ નાં અગ્રણીએ વહીવટી તંત્ર તાકીદે કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે અન્યથા ખેડુતો અને ગ્રામજનો ને સાથે રાખી ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.