ગતરોજ મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામા મળેલી વર્ચ્યુઅલ બેઠકમાં રાજ્યભરમાં 2938 અધ્યાપકોને નિમણુક પત્રો આપવામાં આવ્યા હતા. આ દરમ્યાન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે 158 શિક્ષણ સહાયકો પૈકી 20 ને કલેક્ટર હિતેષ કોયાએ જ્યારે 138 ને જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા.
આ નિમણુક પત્રો એનાયત કરાયા બાદ સાબરકાંઠાના કલેક્ટર કલેક્ટર હિતેષ કોયાએ શિક્ષણ સહાયકોને જણાવ્યું કે,આપણને સરકારી સેવા કરવાની તક મળી છે. તેમાં ઓતપ્રોત થઇ તન મન ધનથી સેવા કરી જિલ્લાના શિક્ષણ જગતને ઉજાગર કરો. તેમને પોતાના સંબોધનમાં ઉમેર્યુ હતુ કે, આપ અન્ય જિલ્લાઓમાંથી આવો છો પણ હવે નોકરી મળી છે તો જિલ્લાને વતન તરીકે સ્વીકારી શાળાને કર્મભૂમિ બનાવો, નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવી આગળ વધશો તો કોઇ રંજ રહેશે નહીં.
આ નિમણુક પત્રો એનાયત કરવાના પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એસ.કે વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા.