— તા.૨૩ મેનાં રોજ જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી હતી,અને પવિત્ર માંદેળા તળાવમાં ગંદકી નહિ કરવાની તાકીદ કરી હતી :
ગરવી તાકાત પાલનપુર : વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધામનાં ઐતિહાસિક માંદેળા તળાવમાં ચારે બાજુથી ધર્મશાળા અને જાહેર સંસ્થાઓ અને મંદિરોનું પાણી તળાવમાં નાખવામાં આવતાં તળાવમાં ચારે તરફ ગંદકીનાં થર જામી ગયા છે.આ ઐતિહાસિક તળાવમાં સાક્ષાત ગંગાજી પ્રગટ થયાં હોવાની લોકમાન્યતાઓ છે દર પૂનમે આવતાં લાખ્ખો શ્રદ્ધાળુઓ માંદેળા તળાવમાંથી જળને ચરણામૃત તરીકે પીવે છે.ત્યારે જીલ્લા કલેકટર દ્વારા તળાવમાંથી ચારે બાજુથી નાળાઓ દૂર કરવા માટે ગ્રામપંચાયતને તાકીદ કરવામાં આવી હતી.જે અનુસંધાને ઢીમા ગ્રામપંચાયત દ્વારા તા.8/6/2022નાં
રોજ નોટિસો આપવામાં આવી હતી. નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે આપના ઘરનું/ધર્મશાળાનું/સંસ્થાનું ગંદુ પાણી પવિત્ર માંદેળા તળાવમાં નાખવામાં આવે છે.જેથી તળાવમાં પાણી અશુદ્ધ થાય છે.જેથી આપને ઢીમા ગ્રામપંચાયત દ્વારા નમ્ર વિનંતી છે કે આગામી ત્રણ દિવસમાં પાણી બંધ કરવામાં આવે નહિતર ગ્રામપંચાયત દ્વારા કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવશે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધામનો રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ.4.23 કરોડનાં ખર્ચે ઐતિહાસિક મહત્વ ધરાવતાં માંદેળા તળાવનો વિકાસ થઈ રહ્યો છે.ત્યારે વિકાસ કામોની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેકટર,થરાદ નાયબ કલેકટર સહિત વાવ મામલતદારશ્રીએ શ્રી ધરણીધર ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વધુમાં પવિત્ર યાત્રાધામનો મહિમા જળવાય શ્રદ્ધાળુઓને વધુ સારી સગવડો મળે અને સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર