ગરવી તાકાત મહેસાણા : યાત્રાધામ બેચરાજી ખાતે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે લોકમેળાનું આયોજન સ્થગિત કરાયું હતું. જેમાં આ વર્ષે કેસમાં રાહત જોવા મળતાં 14થી 16 એપ્રિલ દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે 01 એપ્રિલ અને શુક્રવાર, ફાગણ વદ અમાસના રોજ મંદિર પ્રક્ષાલન વિધી બપોરે 12-00 કલાકે થશે. 02 એપ્રિલના રોજ સવારે 07-30 કલાકે ઘટસ્થાપન વિધી થશે. તેમજ શતચંડી યજ્ઞનો પ્રારંભ 07 એપ્રિલ અને ચૈત્ર સુદ છઠના રોજ સવારે 10-30 કલાકે થશે. શતચંડી યજ્ઞની પૂર્ણાહુતિ ચૈત્ર સુદ આઠમ એટલે કે 09 એપ્રિલની સાંજે 05 કલાકે થશે.
માતાજીની આઠમની પાલખી 09 એપ્રિલને શનિવારના રોજ રાત્રે 09-30 કલાકે થશે. માતાજીના આઠમનું પલ્લી ખંડ નૈવૈધ ચૈત્ર સુદ આઠમ અને શનિવારની તારીખ 09 એપ્રિલના રોજ રાત્રે 12 કલાકે યોજાશે. આ ઉપરાંત જ્વારા ઉત્થાપન વિધી 11 એપ્રિલની સવારે 07-30 કલાકે થશે.
આ ઉપરાંત માતાજીની પૂનમની પાલખી ચૈત્ર સુદ પૂનમને શનિવારના રોજ 16 એપ્રિલના રોજ રાત્રે 09-30 વાગ્યે નીજ મંદિરથી નીકળી શંખલપુર મુકામે જશે. નોંધનીય છે કે ચૈત્રી પૂનમનો પરંપરાગત લોકમેળો 14 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન યોજાશે.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા