ગરવી તાકાત મહેસાણા: મહેસાણા પાસે આવેલ વડસમાં ગામમાં દૂધ ભરાવવા જેવી નજીવી બાબતે ગામના જ બે યુવાનોએ ગામના અન્ય સમાજના યુવાનને જાતિ વિષયક અપશબ્દો બોલી માર માર્યો હતો. જેથી યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ માર મારનાર ગામના બે યુવાન વિરુદ્ધ લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વડસમા ગામમાં રહેતો 19 વર્ષીય સેનમાં વિશાલ ગામમાં આવેલી ડેરીમાં દૂધ ભરાવવા ગયો હતો. આ દરમિયાન ગામનો એક યુવાન ચાવડા અજયસિંહ તેનું એક્ટિવા લઈ ફરિયાદી યુવાનના બાઈક પાસે પાર્ક કર્યું હતું. ત્યારે બાઈક પડી જશે તેવું કહેતા ફરિયાદીને ગામના યુવાને જાતિ વિષયક અપમાનિત કરી ” તારે દૂધ અમારા પહેલા ભરવાનું નથી ” એમ કહી યુવાનની આગળ જઈને ડેરીમાં દૂધ ભરાવી લીધું હતું.
બાદમાં ગામના અજય સિંહ ચાવડા અને ઘનશ્યામ ચાવડા નામના ઈસમો આવીને યુવાનને અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ ફરિયાદી યુવાનના બાઇકને નુકસાન કરી ફરી વાર દૂધ ભરાવવા આવતો નહી એમ કહી યુવાનને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જોકે, ગામના અન્ય લોકો આવી જતા યુવાનને વધુ મારથી બચાવ્યો હતો. યુવાનને પેટમાં વધુ દુખાવો થતા તેણે સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.