“ગુજરાત સરકારની ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત શરૂ કરેલ ગુજરાતની પ્રથમ મેડિકલ કોલેજ અને ઉત્તર ગુજરાતમાં પોષ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામ પ્રદાન કરનાર નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના MBBSની પ્રથમ બેચના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશન સેરેમની અને PG મેડિકલ વિદ્યાર્થીઓ માટે સ્વાગત સમારોહ યોજાયો”
ગુજરાત સરકારની ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત શરૂ કરેલ ગુજરાતની પ્રથમ મેડિકલ કોલેજ નુતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે નુતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સ્થાપક અને વિસનગરને શિક્ષણ નગરી તરીકે પ્રતિષ્ઠા અપાવનાર કર્મવીર સ્વ. શ્રી સાંકળચંદભાઈ પટેલની ૧૧૬મી જન્મજયંતી તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ના દિવસે MBBSની પ્રથમ બેચના વિદ્યાર્થીઓની ગ્રેજ્યુએશન સેરેમનીનું તેમજ ચાલુ વર્ષે સમગ્ર ઉત્તર ગુજરાતની પ્રથમ પોસ્ટગ્રેજ્યુએટ બેચમા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સ્વાગત સમારંભ યોજાયો.
આયોજીત સમારંભમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં MBBSમાં પ્રવેશ મેળવી ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરનારા ૧૪૭ ડોક્ટર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. ઉપરાંત, ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતની પ્રથમ MD/MS પોસ્ટગ્રેજ્યુએટ બેચના ૧૭ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. સ્વ. શ્રી સાંકળચંદ દાદાના સ્વપ્ન અને સમગ્ર પંથકના વ્યક્તિને ઉત્તમ અને ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવા પૂરી પાડવાના હેતુથી કામ કરનાર નુતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ટ્રસ્ટના ચેરમેનશ્રી અને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલના અથાગ પ્રયત્નો અને કુશળ નેતૃત્વ હેઠળ, વિસનગર ખાતે ગુજરાત રાજ્યમાં પ્રથમ “ગ્રીન ફિલ્ડ પોલિસી” અંતર્ગત ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત સહકારથી MBBS ની ૧૫૦ બેઠકો સાથે નુતન મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટરની વર્ષ ૨૦૧૯-૨૦માં શરૂઆત કરવામાં આવી હતી. જે આજે રાજ્ય અને રાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે મોખરાની સંસ્થાઓમાં ઓળખ પામતી એક સંસ્થા બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી મેડિકલ ક્ષેત્રે પોસ્ટગ્રેજ્યુએટ કરવા માટે નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓએ બીજા રાજ્યમાં અથવા જિલ્લામાં જવું પડતું હતું જે હવેથી દરેકને પોતાના ઘર આંગણે ઉત્તમ અને ઉચ્ચ કક્ષાનું તબીબી શિક્ષણ મળી રહેશે.


