રાજયમાં વ્યકિત રોજ કરતાં અકસ્માતમાં અકાળે મોત પામે છે. ગુજરાતમાં રોજના સરેરાશ 40 અકસ્માતો સર્જાય છે રોજના 22 વ્યકિતઓ જીવ ગુમાવે છે.
ઓવરસ્પીડ, નશામાં અને રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી વધુ અકસ્માત થતાં હોવાનું તારણ બહાર આવ્યું
ગરવી તાકાત, ગાંધીનગર,તા.15 – રાજયમાં વ્યકિત રોજ કરતાં અકસ્માતમાં અકાળે મોત પામે છે. ગુજરાતમાં રોજના સરેરાશ 40 અકસ્માતો સર્જાય છે. જેમાં રોજના 22 વ્યકિતઓ જીવ ગુમાવે છે. જેમાં માત્ર હિટ એન્ડ રનના કેસમાં જ રોજના 3 લોકોનાં મોત થાય છે. ઓવરસ્પીડ, નશામાં અને રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી વધુ અકસ્માત થતાં હોવાનું તારણ બહાર આવ્યું છે.
રાજયમાં 31 મી માર્ચ, 2023 સુધીનાં 3 વર્ષ દરમ્યાન 44.396 માર્ગ અકસ્માત નોંધાયા હતા. અર્થાત રાજયમાં રોજના સરેરાશ 40 જેટલા માર્ગ અકસ્માત થયા હતા. આ માર્ગ અકસ્માતો પૈકી 23,384 વ્યકિતઓનાં મૃત્યુ થયા છે.એટલે કે સરેરાશ રોજનાં 22 જેટલી વ્યકિતઓનાં માર્ગ અકસ્માતમાં મોત થાય છે. જયારે આ ત્રણ વર્ષના આ સમયગાળા દરમ્યાન કુલ નોંધાયેલા 44,396 માર્ગ અકસ્માતમાં 40,871 વ્યકિતઓના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા.
જયારે આ ત્રણ વર્ષનાં આ સમયગાળા દરમ્યાન કુલ નોંધાયેલા 44,396 માર્ગ અકસ્માતમાં 40.871 વ્યકિતઓ ઈજાગ્રસ્ત થઈ હતી. બીજી બાજુ રાજયમાં છેલ્લા 3 વર્ષ દરમ્યાન 4860 હીટ એન્ડ રનના બનાવો પણ નોંધાયા હતા. જેમાં 3449 વ્યકિતઓના મૃત્યુ થયા હતા. અને 2720 વ્યકિતઓ ઈજાગ્રસ્ત થઈ હતી.
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા લેખીત પ્રશ્નના જવાબમાં રાજયના વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહીતી મુજબ રાજયમાં 31 મી માર્ચ, 2023 સુધીના ત્રણ વર્ષમાં 44,396 માર્ગ અકસ્માત કેસ નોંધાયા હતા. જેમાં એપ્રિલ 2020 થી માર્ચ 2021 સુધીનાં વર્ષમાં 13,303 જેટલા માર્ગ અકસ્માતનાં બનાવો બન્યા હતા. અને એપ્રિલ 2023 થી 31 મી માર્ચ 2023 સુધીમાં 16,947 માર્ગ અકસ્માતો પોલીસ દફતરે નોંધાયા હતા.
વિધાનસભામાં સરકારે આપેલી માહીતી મુજબ…..
► એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021 સુધીનાં એક વર્ષમાં નોંધાયેલા 13,303 માર્ગ અકસ્માતમાં 6281 વ્યકિતઓના મૃત્યુ
► એપ્રિલ, 2021 થી 31 મી માર્ચ 2022 સુધીના બીજા એક વર્ષનાં અંત સુધીમાં નોંધાયેલા 15,046 માર્ગ અકસ્માતમાં 7447 વ્યકિતઓના મોત
► એપ્રિલ 2022 થી 31 મી માર્ચ 2023 સુધીનાં ત્રીજા એક વર્ષનાં અંત સુધીમાં નોંધાયેલા 16,047 માર્ગ અકસ્માતમાં 7656 વ્યકિતઓનાં મોત
સામાન્ય રીતે રાજય સરકાર કહે છે કે, તેઓ માર્ગ અકસ્માતને રોકવા માટેના તમામ પ્રયત્નો કરી રહી છે. પરંતુ ઓવરસ્પીડ, નશાયુકત હાલતમાં વાહન ચલાવવા, રોંગ સાઈડમાં વાહન ચલાવવા જેવા અનેક કારણોસર માર્ગ અકસ્માત થાય છે.આ માટે મોટાભાગનાં ધોરી માર્ગો ઉપર અમુક ચોકકસ સ્પીડમાં જ વાહનો હંકારવા જેવી સૂચનાઓ મુકવામાં આવી છે.