તળાવમાં કેમિકલયુક્ત એસીડ ઠાલવી તળાવ તેમજ પાણીને પ્રદુષિત કરવાની ગેરકાયદેસર પ્રવૃતિ
પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચતાં ટેન્કર ચાલક ટેન્કર મુકી ઘટના સ્થળેથી ફરાર
પોલીસે ટેન્કર કબજે કરી એસીડ ઠાલવનાર ફેકટરીના માલિક તેમજ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 07- વિસનગરથી કમાણા જતાં રોડ પર આવેલા એક તળાવમાં ટ્રકના ચાલક દ્વારા કેમિકલયુક્ત એસીડ ઠાલવી કરાતી ગેરકાયદેસર પ્રવૃતિ બાબતે તળાવની સામે આવેલ ફેકટરીના માલિકે આ બાબતની જાણ પોલીસને કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ટેન્કરનો ચાલક ટેન્કર મુકી ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પોલીસે ટેન્કર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણામાં જિલ્લામાં આવેલી ફેકટરીઓમાંથી નીકળતાં વિવિધ કેમીકલયુક્ત એસિડ નિર્જન જગ્યાઓ પર વિવિધ ફેકટરીઓના માલિક દ્વારા ખાનગી રીતે ઠલવવામાં આવી રહ્યું છે. કેમિકલભરેલું પ્રદુષિત નિર્જન જમીનોમાં ઠાલવી જમીન બગડવાની પ્રવૃતિ રાત્રિના અંધકારમાં પણ આ પ્રવૃતિ આચરવામાં આવી રહી છે ત્યારે આવું જ કેમિકલયુક્ત એસીડ ઠાલવવાની ઘટના સામે આવી છે. જેમાં વિસનગરથી કમાણા જતાં રોડ પાસે ડીલક્ષ એગ્રો ઇન્ડ્રસ્ટ્રીઝની સામે આવેલ તળાવમાં ટેન્કર દ્વારા કેમિકલયુક્ત એસિડ કેમિકલ ઠાલવી તળાવનું પાણી અને જમીનને પ્રદુષિત કરવામાં આવી રહ્યું હતું. આ પ્રકારની ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ટેન્કરનો ચાલક ટેન્કર મુકી ઘટના સ્થલ પરથી ફરાર થઇ ગયો હતો.
આ બાબતે ગુજરાત પોલ્યુશન બોર્ડના કર્મચારીઓ દ્વારા આ કેમિકલની ચકાસણી કરવામાં આવી હતી. વિસનગરથી કમાણા જતાં રોડ પર ટેન્કર નંબર જીજે02-2573 નંબરના આધારે આ ટેન્કર કોનું હતું તેમજ કઇ ફેકટરીના માલિક દ્વારા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ આચરવામાં આવી રહી છે તે બાબતની તપાસ પોલીસે હાથ ધરી છે. વિસનગર શહેર પોલીસે પર્યાવરણ સુરક્ષા તેમજ પ્રાણી પ્રદુષણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.