-> આ પદયાત્રા સરદાર પટેલના “એકીકૃત ભારત”ના દૃષ્ટિકોણને પ્રધાનમંત્રીશ્રીના “વિકસિત અને આત્મનિર્ભર ભારત”ના મિશનથી જોડીને એક રાષ્ટ્રીય અભિયાન બનશે – લોકસભા સાંસદ હરિભાઈ પટેલ :
-> જિલ્લાના સ્વાતંત્ર સેનાનીઓ તથા તેમના પરિવારજનો ખાસ આ પદયાત્રા કાર્યક્રમમાં સહભાગી બને તે સુનિશ્ચિત કરતા રાજ્યસભા સાંસદ મયંકભાઇ નાયક :
-> તા.૧૯ નવેમ્બરના રોજ મહેસાણા-૨૫ વિધાનસભામાં જિલ્લાકક્ષાની પદયાત્રા યોજાશે :
-> મહેસાણા જિલ્લાની ૦૭ વિધાનસભા મતવિસ્તારમાં પદયાત્રા યોજાશે :
ગરવી તાકાત મહેસાણા : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તેમની અવિસ્મરણીય રાષ્ટ્રીય સેવાઓનું સ્મરણ કરવા માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિધાનસભા વિસ્તાર મુજબ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાના સુચારુ આયોજનને લઈ લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઇ નાયકની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે પ્રજાપતિની હાજરીમાં કલેક્ટર કચેરી મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના અવસર પર આગામી તા.૧૬/૧૧/૨૦૨૫ થી તા.૨૦/૧૧/૨૦૨૫ દરમિયાન મહેસાણા જિલ્લામાં સરદાર@૧૫૦ વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા સરદાર પટેલના “એકીકૃત ભારત”ના દૃષ્ટિકોણને પ્રધાનમંત્રીશ્રીના “વિકસિત અને આત્મનિર્ભર ભારત”ના મિશનથી જોડીને જનભાગીદારીથી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય અભિયાન બનશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ પદયાત્રામાં સરકાર તથા સામાજિક સંસ્થાઓ ગામ/નગરના તમામ નાગરિક, કોલેજ, સહકારી સંસ્થા, સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, ઔઘોગિક સંગઠનો, ઔઘોગિક એકમો, વાણિજ્યિક સંગઠન, વાણિજ્યિક એકમ,

સ્વૈચ્છિક સંગઠન વગેરે સક્રિય રીતે જોડાય તે પ્રમાણે આયોજન કરવામાં આવેલ છે. આ પહેલનો ઉદ્દેશ યુવાઓમાં રાષ્ટ્રીય ગૌરવ જાગૃત કરવો, સમાજ માટેની જવાબદારી વધારવી અને એકતાની ભાવના મજબૂત બનાવવાનો છે. આ કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જનભાગીદારીથી રાષ્ટ્ર નિર્માણના દ્રષ્ટિકોણથી પ્રેરિત છે. આ પત્રકાર પરિષદમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઇ નાયકે જણાવ્યું હતું કે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન મહેસાણા જિલ્લામાં કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે અને તેમણે કરેલ કાર્યોથી લોકો પરિચિત થાય તેવા ઉમદા હેતુથી મહેસાણા જિલ્લાની તમામ વિધાનસભાઓમાં પદયાત્રા યોજાશે. જેમાં સરદાર પટેલના જીવન વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે. વધુમાં તેમણે આ પદયાત્રામાં જિલ્લાના સ્વાતંત્ર સેનાનીઓ તથા તેમના પરિવારજનો ખાસ આ પદયાત્રા કાર્યક્રમમાં સહભાગી બને તેનું સવિશેષ ધ્યાન રાખવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. વધુમાં સાંસદશ્રીએ આ રાષ્ટ્રીય પર્વમાં પક્ષાપક્ષીથી અલગ રહી એક રાષ્ટ્રના નાગરિક તરીકે આ પદયાત્રામાં જોડાઈએ તેમજ.

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના પ્રકલ્પને સિદ્ધ કરી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ૧૫૦મી જન્મજયંતીના અવસર પર શ્રદ્ધાંજલિ આપવા અનુરોધ કર્યો હતો. આ તકે જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તમામ પદયાત્રા દરમિયાન સરદાર સ્મૃતિવન સ્થાપના, એન.એસ.એસ. કેમ્પનું આયોજન, મહાનુભાવોની પ્રતિમાની સાફ-સફાઇ અભિયાન, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુકિત અભિયાન, શેરી નાટકોનું આયોજન, સ્વદેશી મેળાનું આયોજન, સ્વદેશી પ્રતિજ્ઞા, શાળા કક્ષાએ સ્પર્ધા, યોગ શિબિર જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યુનિટી માર્ચ પદયાત્રા અંતર્ગત ૨૧-ઊંઝા વિધાનસભા મતવિસ્તારમાં આગામી તા. ૧૬ નવેમ્બરના રોજ સવારના ૯-૦૦ કલાકે જાસ્કા-ઉપેરા- રણછોડપુરા-દાસજ સુધીપદયાત્રા યોજાશે. ૨૪-કડી વિધાનસભા મતવિસ્તારમાં તા. ૧૭ નવેમ્બરના રોજ સવારે ૦૮:૦૦ કલાકે કડી નગરપાલિકા મેદાન-કુંડાળ-કરણનગર પાટીયા-કરણનગર ગામ (હાઇસ્કુલ) સુધી પદયાત્રા યોજાશે.

૨૩-બેચરાજી વિધાનસભા મતવિસ્તારમાં તા. ૧૮ નવેમ્બરના રોજ સવારે ૯-૦૦ કલાકે મોટપ ચોકડી-હિંગલાજપુરા-લાલાજીનગર-દેવીના પુરા-મીઠા ગામ સુધી પદયાત્રા યોજાશે. ૨૬- વિજાપુર વિધાનસભા મતવિસ્તારમાં બપોરના ૦૨-૦૦ કલાકે માર્કેટયાર્ડ કુકરવાડા- ઉબખલ-સોખડા- વડાસણ- દગાવાડીયા સુધી પદયાત્રા યોજાશે. ૨૦- ખેરાલુ વિધાનસભા મતવિસ્તારમાં તા. ૧૯ નવેમ્બરના રોજ સવારે ૦૮:૩૦ કલાકે ગણેશપુરા- દેદાસણ- કેવડાસણ- ધારાવાણીયા- હડોલ સુધી પદયાત્રા યોજાશે અને ૨૫- મહેસાણા વિધાનસભા મતવિસ્તારમાં સાંજે ૪:૦૦ કલાકે એન.જી. સ્કૂલ- ગૌરવ ટાઉનશીપ- સોમનાથ ચોક- તોરણવાળી માતા ચોક- સ્વામી વિવેકાનંદ પ્રતિમા- મોઢેરા સર્કલ સુધી જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાશે. આ ઉપરાંત ૨૨- વિસનગર વિધાનસભા મતવિસ્તારમાં તા. ૨૦ નવેમ્બરના રોજ સવારના ૮-૦૦ કલાકે વિસનગર સરદાર ચોક કાંસા ચોકડી- થલોટા- રામપુરા (કાંસા)- કાંસા ગામ (કાંસા) એન.એ.વિસ્તાર સુધી પદયાત્રા યોજાશે. આ પ્રેસ કોન્ફરન્સમાં વિજાપુર ધારાસભ્યશ્રી સી. જે. ચાવડા, ઊંઝા ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી જશવંત કે જેગોડા, માય ભારત ના સ્ટેટ ડાયરેક્ટર શ્રી, માય ભારત જિલ્લા યુવા અધિકારી શ્રી પ્રિતેશકુમાર ઝવેરી તેમજ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


