— ટોલ ફ્રી ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા અનુરોધ :
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર થતા પશુઓની મોતની સંખ્યામાં વધારો થતા પશુપાલકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ત્યારે પશુઓમાં આવેલ લમ્પી વાઇરસ ફેલાતો અટકાવવા માટે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પાલનપુર નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ હેતલબેન રાવલના અધ્યક્ષસ્થાને માલધારી સમાજના આગેવાનો સાથે બેઠક કરી લમ્પી સ્કીન ડીસીઝને ફેલાતો અટકાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પશુપાલકોને અપીલ કરવામાં આવી કે જો તેમના પશુધનને લમ્પી વાઇરસની અસર હોય તો તે પશુને સત્વરે સારવાર અપાવવી. બીજા પશુથી અલગ રાખવું અને ચરવા માટે ખુલ્લું ન છોડવું. જેથી અન્ય પશુમાં પ્રસરતા ચેપને અટકાવી શકાય. આ રોગગ્રસ્ત વિસ્તારોમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવું, માખી મચ્છર અને ઇતરડીના ઉપદ્રવને અટકાવવા માટે યોગ્ય દવાઓનો છંટકાવ કરવો. પોતાના પશુઓને ઝડપથી રસીકરણ કરવું. પશુઓમાં આ રોગના ચિહ્નો દેખાય તો ટોલ ફ્રી ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા – પાલનપુર