રીક્ષામાં શંકાસ્પદ ઓઇલનો જથ્થો ભરીને શિવાલા સર્કલથી પાંચોટ તરફ જઇ રહ્યો હતો
મહેસાણા એસઓજી અને તાલુકા પીઆઇ સહિતની ટીમે 68 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
ગરવી તાકાત, મહેસાણા તા. 21 – મહેસાણા સુવિધા સર્કલ પાસેથી અલગ અલગ કંપનીના મળતા ભળતાં નામવાળા શંકાસ્પદ એન્જીન ઓઇલના કુલ 180 નંગ ડબ્બા કિંમત રુપિયા 68,380 ના મુદ્દામાલ સાથે અમદાવાદના નરોડાના શખ્સને મહેસાણા એસઓજીની ટીમે દબોચી લીધો હતો.
મહેસાણા જિલ્લામાં ચાલતી વિવિધ અસામાજિક પ્રવૃતિ તેમજ નકલી ભેળસેળયુક્ત વસ્તુઓનું વેચાણ કરતાં શખ્સોને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયના આદેશ મુજબ મહેસાણા તાલુકા પીઆઇ વી.આર.વાણીયા, પીએસઆઇ એમ.એ.જોષી, એએસઆઇ દિલીપકુમાર, હિતેન્દ્રસિંહ, વિજયકુમાર, સંજયકુમાર, જીતેન્દ્રકુમાર, સંજયકુમાર, સચિનકુમાર, ધરમસિંહ, આશારામ, વિશ્વનાથસિંહ, દિગ્વિજયસિંહ, મહાવીરસિંહ સહિતનો સ્ટાફ એટીએસ આર્ટર લગત કામગીરીમાં હતા
તે દરમિયાન નાગલપુર પોલીસ ચોકી નજીક આવતાં સંજયકુમાર તથા સચીનકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સીએનજી રિક્ષા નંબર જીજે-27-યુ-6930માં શંકાસ્પદ એન્જીન ઓઇલનો જથ્થો લઇ શિવાલા સર્કલ થઇ પાંચોટ સર્કલ તરફ જનાર છે જે બાતમી મળતાં પોલીસે સુવિધા સર્કલ પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતાં રીક્ષા ઉભી રખાવી તેમાં તપાસ કરતાં શાહ હિતેશ સેવંતીલાલ રહે. જૈન દેરાસરની સામે, કૃષ્ણનગર નરોડાવાળા શખ્સને ઝડપી પાડી રીક્ષામાંથી 68,380નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.