-> જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કુલ 70 પ્રશ્નો રજૂ થયા :
-> પ્રજાજનોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારશ્રીઓને સૂચના આપી :
ગરવી તાકાત મહેસાણા : મુખ્યમંત્રીશ્રી તરફથી મળેલી સૂચના અનુસાર જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ, ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રીએ રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી ઉપસ્થિત અધિકારીશ્રીઓને કેટલાંક રચનાત્મક સલાહ-સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું. જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા દબાણ, જમીન માપણી, રીસર્વેની કામગીરી, ઓ.એન.જી.સી.માં જમીન સંપાદન અને વળતર સહિતના કુલ 70 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.

કલેકટરશ્રી દ્વારા પ્રજાજનોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હસરત જૈસ્મિન, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેકટરશ્રી જશવંત કે. જેગોડા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા.
 
								 
															 
															

